અહીં મહાદેવ પર થાય છે જીવતા કરચલાનો અભિષેક!
પોષ વદ અગિયારસનો દિવસ એ રામનાથઘેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે. અને એ જ દિવસે વર્ષમાં એકવાર ભક્તો તેમને જીવિત કરચલા અર્પણ કરે છે!
કરુણાનિધાન મહાદેવ (MAHADEV) તો શુદ્ધ જળ અર્પણ કરવા માત્રથી જ રીઝનારા છે. તેમ છતાં તેમને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનો પણ મહિમા છે. અલબત્, સુરતના ઉમરામાં આવેલું રામનાથઘેલા મહાદેવનું મંદિર એટલે તો, અભિષેકને મામલે વિશ્વનું સૌથી અનોખું શિવમંદિર. એવું મંદિર કે જ્યાં દેવાધિદેવ મહાદેવને થાય છે જીવતા કરચલાનો અભિષેક!
ઉલ્લેખનિય છે કે પોષ વદ અગિયારસનો દિવસ એ રામનાથઘેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે અને એ જ દિવસે વર્ષમાં એકવાર ભક્તો તેમને જીવિત કરચલા અર્પણ કરે છે! કોઈ શિવમંદિર બહાર શ્રદ્ધાળુઓ જેમ સહજ રીતે પુષ્પ કે બિલ્વપત્રની ખરીદી કરતાં હોય છે, તે જ રીતે રામનાથઘેલા મંદિર બહાર શ્રદ્ધાળુઓ કરે છે જીવતા કરચલાની ખરીદી! પછી આસ્થા સાથે મંદિરમાં પ્રવેશ કરી ભાવિક ભક્તો મહેશ્વર પર કરી દે છે કરચલાનો અભિષેક!
પોષ વદી એકાદશીએ શિવલિંગ પર જીવિત કરચલા અર્પણ કરવાની આ પ્રથા સદીઓથી ચાલી રહી છે. એક માન્યતા અનુસાર રામનાથઘેલાને આસ્થા સાથે કરચલા અર્પણ કરવાથી કાન સંબંધી રોગોથી મુક્તિ મળે છે. રામનાથઘેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે, તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે.
પ્રચલિત કથા અનુસાર વનવાસે નીકળેલાં શ્રીરામને પિતા દશરથ માટે તર્પણ કરવાની ઈચ્છા થઈ. તેમણે બાણ ચલાવી ભૂમિમાંથી શિવલિંગ પ્રગટ કર્યું. અદભુત શિવલિંગ જોઈ પ્રભુ રામજી ખૂબ જ ઘેલા થઈ ગયા અને એટલે જ મહાદેવ અહીં ‘રામનાથઘેલા’ તરીકે પ્રસિદ્ધ થયા. કહે છે કે ત્યારબાદ સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈ અહીં તર્પણવિધિ કરાવવા આવ્યા. પણ, તેમની સાથે દરિયાઈ જીવો અને ખાસ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા. દરિયાદેવે શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી. ત્યારે શ્રીરામજીએ કહ્યું કે, “જે મનુષ્ય પોષ વદ એકાદશીએ આ કરચલા અહીં મહાદેવને અર્પણ કરશે, તેની તમામ તકલીફોનો અંત આવશે. મનુષ્ય અને કરચલા બંન્નેનો ઉદ્ધાર થશે !”
માન્યતા અનુસાર શ્રીરામચંદ્રજીએ પ્રદાન કરેલા તે આશિષને લીધે જ રામનાથઘેલા મહાદેવને કરચલા અર્પણ કરવાનો મહિમા છે. રામનાથઘેલાને અર્પણ થતાં કરચલાઓની સંખ્યામાં દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે. જે ભક્તોની રામનાથઘેલા પ્રત્યેની આસ્થાને અભિવ્યક્ત કરે છે.
આ પણ વાંચો પીપળાના 11 પાનથી પવનપુત્રને કરો પ્રસન્ન, ક્યારેય નહીં અનુભવો આર્થિક સંકડામણ