મહિલા એશિયા કપમાં (Women Asia Cup 2022) ભારતીય મહિલા ટીમે જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) એશિયા કપમાં શ્રીલંકાને 41 રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કમાલનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે પહેલા જેમિમા રોડ્રિગ્સે 76 રનની શાનદાર ઈનિંગ રમી અને ત્યારબાદ દયાલન હેમલતા, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે બોલિંગ કમાલની કરી હતી. હેમલતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારે દીપ્તિ અને પૂજાને બે-બે સફળતા મળી.
બાંગ્લાદેશના સિલહટમાં મહિલા એશિયા કપ 2022ના પહેલા દિવસે શનિવારે 1 ઓક્ટોબરે ભારત અને શ્રીલંકા તેમની પ્રથમ મેચમાં એકબીજા સાથે ટકરાયા હતા. ઈંગ્લેન્ડમાં વનડે સીરીઝમાં ક્લીન સ્વીપ કરીને મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા જોરદાર બેટિંગ કરશે તેવી આશા હતી, પરંતુ એવું થયું નહીં અને તેનો શ્રેય શ્રીલંકાની શાનદાર ફિલ્ડિંગને આપવો જોઈએ.
ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મોટા શોટ રમવાની કોશિશ કરી હતી, પરંતુ બંને બાઉન્ડ્રી પર કેચ આપીને પરત ફરી હતી. ભારતે 4 ઓવરમાં માત્ર 23 રનમાં બંને વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં ઈજા બાદ પરત ફરી રહેલી યુવા બેટ્સમેન જેમિમા રોડ્રિગ્ઝ અને શાનદાર ફોર્મમાં રહેલી કેપ્ટન હરમનપ્રીત કૌર પર પ્રેશર આવી ગયું હતું.
બંને બેટ્સમેનોએ શરૂઆતમાં શ્રીલંકાના બોલરોનો સામનો કર્યો અને ત્યારબાદ મોટા શોટ રમીને રન વધારવાનું શરૂ કર્યું. જેમિમાએ ખાસ કરીને બાઉન્ડ્રી મેળવવા માટે શ્રીલંકાના સ્પિનરો સામે સ્વીપ શોટનો સારો ઉપયોગ કર્યો. જેમિમાએ તેની આઠમી ટી 20 ફિફ્ટી 38 બોલમાં ફટકારી હતી.
જેમિમા અને કૌર વચ્ચે 92 રનની ભાગીદારી થઈ હતી. જેમિમાએ પોતાના કરિયરની સૌથી મોટી ઈનિંગ્સ રમી અને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી. શ્રીલંકાએ છેલ્લી 3 ઓવરમાં સારી વાપસી કરી હતી અને ભારતને મોટા શોટ રમવા દીધા ન હતા, જેના કારણે ટીમ 6 વિકેટના નુકસાન પર 150 રન જ બનાવી શકી હતી.
તેના જવાબમાં શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ દીપ્તિ શર્માએ તેને ચોથી ઓવરમાં આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. થોડા બોલમાં જ દીપ્તિ પણ જબરદસ્ત થ્રો પર એક પ્લેયર રન આઉટ પણ થઈ. આ પછી, વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ જ રહી.
શ્રીલંકા તરફથી હાસિની પરેરાએ થોડો સમય મેદાનમાં રહીને ટીમ માટે જરૂરી રન લીધા અને સ્કોરને આગળ વધારવાની કોશિશ પણ કરી. પરંતુ પાર્ટ ટાઈમ સ્પિનર દયાલન હેમલતા, રાધા યાદવ અને દીપ્તિની બોલિંગને કારણે શ્રીલંકાની આખી ટીમ 18.2 ઓવરમાં માત્ર 109 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.