Breaking News: ‘સેહવાગ’ બન્યો ‘નવો કેપ્ટન’, હવે મેદાનમાં અંડર-19 ટીમની કમાન સંભાળશે
સેહવાગ હવે મેદાન પર કેપ્ટન તરીકે કમાન સંભાળતો જોવા મળશે. દિલ્હી ક્રિકેટ એસોસિએશને આગામી વીણુ માંકડ ટ્રોફી માટે 'સેહવાગ' ને દિલ્હીની અંડર-19 ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેના દમદાર પ્રદર્શન પછી સેહવાગને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના 18 વર્ષનો પુત્ર આર્યવીર સેહવાગને ઘરેલું ક્રિકેટમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને (DDCA) આર્યવીરને આગામી વીણુ માંકડ ટ્રોફી માટે દિલ્હીની મેન્સ અંડર-19 ટીમના કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે.
ડીડીસીએની જૂનિયર મેન્સ સિલેક્શન કમિટીની બેઠક બાદ 16 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 8 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે, જ્યાં દિલ્હીની યુવા ટીમ આર્યવીરની કપ્તાની હેઠળ પોતાનો પડકાર રજૂ કરશે. ટીમમાં અર્નવ બુગ્ગાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આર્યવીર સેહવાગને કેમ બનાવવામાં આવ્યો કેપ્ટન?
આર્યવીર સેહવાગે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ લેવલે પોતાની છાપ છોડી છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે રમાયેલી વન-ડે સિરીઝ દરમિયાન તેણે ભારતની અંડર-19 ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.
આ સિરીઝની પહેલી મેચમાં તેણે 28 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તે 47 રન બનાવીને રન આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ત્રીજી મેચમાં પણ સારી શરૂઆત કરતા તેણે 34 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
18 વર્ષના આર્યવીર પાસે સીનિયર લેવલના ટી20 ક્રિકેટનો પણ અનુભવ છે. તે આ વર્ષે દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો. તેણે ટૂર્નામેન્ટમાં બે મેચ રમી, જેમાં તેણે 24 રન બનાવ્યા.
સીનિયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો ફાયદો હવે તેને અંડર-19 લેવલ પર કપ્તાની કરતી વખતે મળશે. આના કારણે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને (DDCA) આ મોટો નિર્ણય લીધો છે.
‘વીણુ માંકડ ટ્રોફી’ માટે દિલ્હીની 16 સભ્યોની ટીમ
આર્યવીર સેહવાગ (કેપ્ટન), તન્મય ચૌધરી, અર્નવ બુગ્ગા (વાઇસ કેપ્ટન), ધન્ય નકડા, ઉદય ચાવલા, ગર્વ કુમાર, અભિરાજ ગગન સિંહ (વિકેટકીપર), તરુણ સિંહ (વિકેટકીપર), આર્યન શર્મા, ઓજસદીપ સિંહ, કિરીટ કૌશિક, વરુણ વંજાણી, રુદ્ર દેવ યાદવ, પ્રદ્યુમ્ન સાનન, પાર્થ રાજ, શાંતનુ યાદવ.
