Ind vs Eng Test: ‘પહેલી ટેસ્ટ મેચમાંથી જસપ્રીત બુમરાહને હટાવો’, હવે વળી શુભમન ગિલને આવી સલાહ કોણ આપી રહ્યું છે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા એક ભૂતપૂર્વ ક્રિકેટરે મોટું નિવેદન આપ્યું છે. તેણે કેપ્ટન શુભમન ગિલને 20 જૂનથી શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાંથી ફાસ્ટ બોલર જસપ્રીતને હટાવવાની સલાહ આપી છે.

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં સારું પ્રદર્શન કરવા માંગશે, કારણ કે ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27’ 17 જૂનથી શરૂ થશે અને શુભમન ગિલના નેતૃત્વ હેઠળની યુવા ભારતીય ટીમ આ વખતે કોઈપણ કિંમતે ‘WTC 2025-27’ જીતવા માંગશે.
જો કે, આ દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનરે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે કેપ્ટન શુભમન ગિલને પહેલી ટેસ્ટમાં બુમરાહને હટાવવાની સલાહ આપી છે. આ સાંભળીને ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીએ આપી સલાહ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી બ્રેડ હોગે 20 જૂનથી શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને ન રમવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થયો હતો અને હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. તેને પહેલી ટેસ્ટ મેચમાં આરામ આપવો જોઈએ. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચમાં રમાડવો જોઈએ, જેથી તે લય પકડી શકે અને વધુ અસરકારક સાબિત થઈ શકે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનરે કહ્યું કે, જસપ્રીત બુમરાહ મેચ વિનર ખેલાડી છે, આથી જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે બુમરાહ જેવા મેચ વિનરનો વધુ ફાયદો ક્યારે ઉઠાવશો? જ્યારે તે સંપૂર્ણપણે ફિટ હશે ત્યારે જ, કેમ કે દરેક ક્રિકેટ ફેન્સને ખબર છે કે બુમરાહ રમતનું પાસુ ફેરવી શકે છે.
ઇંગ્લેન્ડમાં બુમરાહનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે 9 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 26.27ની સરેરાશથી 37 વિકેટ લીધી છે. જણાવી દઈએ કે, તેણે બે વાર 5 વિકેટ લીધી છે. એવામાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર બુમરાહ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે અને આના માટે તેનું ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે.