ધોનીનો કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય અચાનક છે કે તેની પાછળ છે લાંબી તૈયારી? શું CSK ફેન્સ માટે આ ધોનીની છેલ્લી સલામ છે?
MS ધોનીએ અગાઉ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ કમાન રવીન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી. પરંતુ તેનું સારું પરિણામ ન આવ્યું અને સિઝનના મધ્યમાં ધોનીએ ફરીથી જવાબદારી સંભાળવી પડી. ફરી એકવાર ધોનીએ આ રીતે કેપ્ટન્સી છોડી દીધી છે પરંતુ આ વખતે ભવિષ્ય અલગ હશે.
MS ધોનીએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. જ્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે, ત્યારે ધોનીએ 2 વર્ષ પહેલાની શૈલીમાં જ પોતાનું પગલું ભર્યું હતું. જી હા, ઈન્ડિયન પ્રીમિયર લીગના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીએ ફરી એકવાર કેપ્ટન્સી છોડી દીધી છે.
CSKએ ઋતુરાજને કેપ્ટનશિપની જવાબદારી સોંપી
IPL 2024 સિઝનની શરૂઆતના એક દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે 21 માર્ચે આની જાહેરાત કરી હતી. ગત સિઝનમાં જ ચેન્નાઈએ ધોનીની કેપ્ટન્સીમાં પાંચમી વખત ટાઈટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તેણે આ જવાબદારી અચાનક કેમ છોડી દીધી?
2008માં ધોનીએ છોડી હતી કપ્તાની
2008માં IPLની શરૂઆતથી, ધોની ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં ભાગ લીધેલી તમામ સિઝનમાં તેનો કેપ્ટન રહ્યો. આ વચ્ચે ધોનીએ 2022માં પહેલીવાર કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી અને ટીમની જવાબદારી રવીન્દ્ર જાડેજાને સોંપી હતી. તે પણ ટુર્નામેન્ટની શરૂઆતના એક-બે દિવસ પહેલા. જોકે, તેનું પરિણામ સારું ન આવ્યું અને પ્રથમ 8 મેચમાં 6 હાર બાદ ધોનીએ ટીમની કમાન સંભાળી.
અચાનક કેમ લેવાયો નિર્ણય?
ત્યારપછી આગામી સિઝનમાં ધોનીએ શરૂઆતથી જ સુકાની કરી ટીમને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું અને મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી. આવી સ્થિતિમાં ચાહકોને આશા હતી કે આ વખતે ધોની ટીમને છઠ્ઠી વખત ચેમ્પિયન બનાવશે અને મુંબઈ અને રોહિત શર્માથી આગળ નીકળી જશે. હવે દરેકના મનમાં સવાલ છે કે ધોનીએ અચાનક આ નિર્ણય કેમ લીધો? શું આનું કોઈ કારણ છે? શું ધોની સંન્યાસ લેવા જઈ રહ્યો છે?
શું છે સંપૂર્ણ આયોજન?
આ સમજવા માટે આપણે છેલ્લી બે સિઝનની સ્થિતિ જોવી પડશે. ધોનીએ આ પહેલા 2022માં કેપ્ટનશીપ છોડીને જાડેજાને કમાન સોંપી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે અને જાડેજા બાગડોર સંભાળશે. ધોની કેપ્ટનશીપમાં ફેરફારની પ્રક્રિયાને કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થવા દેવા માંગતો હતો અને મદદ કરવા માટે હાજર હતો. પરંતુ પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યા અને ધોનીએ કમાન સંભાળવી પડી. ત્યારે ચેન્નઈ નવમા ક્રમે હતું અને ધોનીએ ચેન્નાઈના ચાહકોની સામે ચેપોક સ્ટેડિયમમાં છેલ્લી વખત રમવા માટે ચોક્કસપણે આવશે તેવું વચન આપ્યું હતું.
ઋતુરાજની કેપ્ટનશીપમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો
પરંતુ બધા જાણે છે કે ધોનીનું છેલ્લા 16 વર્ષોમાં ચેન્નાઈની ટીમ, તેના પ્રશંસકો અને શહેર સાથે ખાસ જોડાણ રહ્યું છે અને આવી સ્થિતિમાં તે ફ્રેન્ચાઈઝીને છોડવા માંગતો ન હતો. આવી સ્થિતિમાં, તેણે વધુ એક વર્ષ માટે ફ્રેન્ચાઈઝીનો હવાલો લેવાનું નક્કી કર્યું અને કદાચ આ સમય દરમિયાન તેણે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ કરી રહેલા ઋતુરાજ ગાયકવાડને સંભવિત અનુગામી તરીકે ઓળખી કાઢ્યો હતો. ઋતુરાજની કેપ્ટનશીપમાં ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
શું આ ધોનીની વિદાયનો સંકેત છે?
દેખીતી રીતે, ધોનીની ચતુર આંખોએ સમજી લીધું હશે કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ જેવી ટીમને સંભાળવા માટે તૈયાર છે, જેની સાથે તે છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છે અને છેલ્લા 3 વર્ષથી સતત ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હવે એ નિશ્ચિત છે કે જો ધોની આ સિઝનમાં રમશે તો તેને પણ આટલી મોટી અને સફળ ફ્રેન્ચાઈઝી માટે ઋતુરાજને તૈયાર કરવાની તક મળશે.
IPL 2024 ધોનીની અંતિમ સિઝન હશે!
આ બધું એક જ વાત તરફ ઈશારો કરે છે કે આ કદાચ ધોનીની છેલ્લી સિઝન હશે. ચેન્નાઈ ભલે છેલ્લી સિઝન જીતવામાં સફળ રહી હતી, પરંતુ ધોનીએ તે આખી સિઝન કેવી રીતે મેનેજ કરી તે બધા જાણે છે. ધોની આખી સિઝન દરમિયાન ઘૂંટણની ઈજાથી પરેશાન હતો અને કોઈક રીતે તે સિઝન પૂરી કરવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ધોની આ સિઝનથી આગળ રમવા માંગતો નથી અને તે પોતાની નજર સામે પોતાના હાથે ફ્રેન્ચાઈઝીમાં નેતૃત્વ પરિવર્તન કરવા માંગે છે જેથી સફળતાનો રથ ચાલુ રહે.
આ પણ વાંચો : Breaking News: MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી, ઋતુરાજ ગાયકવાડ નવો કેપ્ટન