આક્રમક ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડા (Deepak Hooda) એ મંગળવારે આયર્લેન્ડ સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 57 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ રમી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરતા દીપક હુડ્ડા રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
દીપક હુડ્ડાનું માનવું છે કે જ્યારે તેને બોલર ફ્રેન્ડલી પીચમાં નવા બોલનો સામનો કરવાની જવાબદારી આપવામાં આવી ત્યારે તેણે ‘યોદ્ધા’ જેવું વલણ અપનાવ્યું હતું. દીપક હુડ્ડાના મતે તેની પાસે ટોચના ક્રમમાં બેટિંગ કરવાના પડકારનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
દીપક હુડ્ડાએ મેચ બાદ કહ્યું, ‘મેં ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચમાં ઈનિંગ્સ શરૂ કરી નથી. પરંતુ ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાના કારણે તમારે પડકારોનો સામનો કરવો પડે છે અને તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.’
‘આક્રમક બનીને વસ્તુઓ મારી તરફેણમાં આવી… હું ખુશ છું’: દીપક હુડા
તેણે કહ્યું, ‘જો તમારી પાસે કોઈ વિકલ્પ નથી તો તમે યોદ્ધા જેવું વલણ કેમ નથી અપનાવતા. આ રીતે હું વિચારું છું અને વસ્તુઓ મારી તરફેણમાં આવી ગઈ. હું તેનાથી ખુશ છું.’
યુવા ખેલાડીઓ સતત સામે આવી રહ્યા છે અને ઓલરાઉન્ડરે સ્વીકાર્યું કે ભારતીય ટીમમાં સ્થાન બનાવવું અને પછી તેને જાળવી રાખવું સરળ નથી.
દીપક હુડ્ડાએ કહ્યું, ‘સાચું કહું તો, હા ભારતીય ટીમમાં સ્થાન બનાવવું અને પછી ત્યાં રહેવું મુશ્કેલ છે. પરંતુ જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે તમે ક્યારેય તમારા વિશે નથી વિચારતા. તમે ટીમ વિશે વિચારો છો.
ત્રીજી ઓવરમાં ઓપનર ઈશાન કિશનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા દીપક હુડ્ડાએ 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી પોતાની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સદી પૂરી કરી હતી. તેણે કહ્યું, “સાચું કહું તો, આયર્લેન્ડની ટીમ અમારી સામે ખરેખર સારી રીતે રમી હતી અને અમને તેમની સામે રમવાની ખૂબ મજા આવી હતી.”
દીપક હુડ્ડાએ કહ્યું, ‘પહેલી અને બીજી મેચ વચ્ચે મને લાગે છે કે પિચમાં તફાવત હતો. પ્રથમ મેચમાં આકાશ વાદળછાયું હતું અને વિકેટમાં ભેજ હતો. પરંતુ બીજી મેચમાં બેટિંગ કરવા માટે વિકેટ ઘણી સારી હતી જે બંને ટીમોની બેટિંગ પરથી સ્પષ્ટ થાય છે.’
દીપક હુડ્ડાએ બે મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘હાર્દિક પંડ્યા ખૂબ જ સારી રીતે નેતૃત્વ કરી રહ્યો છે. આઈપીએલમાં તેણે નવી ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કર્યું અને તેને ખિતાબ જીતાડ્યો. હું તેના માટે ખૂબ જ ખુશ છું અને તે જે રીતે જવાબદારી નિભાવી રહ્યો છે. મને તેના પર ગર્વ છે, તે ખૂબ સારું કરી રહ્યો છે.’
ભારતીય ઇનિંગ્સ દરમિયાન દીપક હુડ્ડાએ સંજુ સેમસન સાથે બીજી વિકેટ માટે રેકોર્ડ 176 રનની ભાગીદારી કરી હતી. સેમસને ટીમમાં વાપસી કરી અને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 77 રન બનાવ્યા. આ ફોર્મેટમાં ભારતની કોઈપણ વિકેટની આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉનો રેકોર્ડ રોહિત શર્મા અને કેએલ રાહુલના નામે હતો. જેમણે 2017 માં શ્રીલંકા સામે ઇન્દોરમાં 165 રન જોડ્યા હતા.