IPL 2025 : MI નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 વર્ષમાં એક પણ મેચ નથી જીત્યું, ફાઈનલમાં પહોંચવા ઈતિહાસ બદલવો પડશે
IPL 2025નો ક્વોલિફાયર 2 મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. જો મુંબઈ આ મેચ જીતવા માંગે છે, તો તેણે 11 વર્ષથી ચાલી આવતી રાહનો અંત લાવવો પડશે.

આજે, 1 જૂન, 2025ના રોજ, IPL 2025ના ક્વોલિફાયર 2 માં, મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સનો સામનો કરશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં RCB સામે ટકરાશે. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ આ સ્ટેડિયમમાં પોતાની હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. આ મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે, જો તેઓ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માંગતા હોય તો તેમણે વર્ષોથી ચાલી રહેલી રાહનો અંત લાવવો પડશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં MIનો ખરાબ રેકોર્ડ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમ આ મેદાન પર છેલ્લી પાંચ મેચ હારી ગઈ છે, જેમાં IPL 2023 ના ક્વોલિફાયર 2 માં ગુજરાત ટાઈટન્સ સામેની હારનો સમાવેશ થાય છે. તે મેચમાં, ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 233 રન બનાવ્યા હતા, અને મુંબઈની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈએ આ મેદાન પર એકમાત્ર મેચ 2014 માં જીતી હતી. એટલે કે તેણે છેલ્લા 11 વર્ષમાં અહીં એક પણ મેચ જીતી નથી. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ મહેલા જયવર્ધને માટે આ હારનો સિલસિલો તોડવો એક મોટો પડકાર છે.
એલિમિનેટરમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું
આ ક્વોલિફાયર 2 મેચમાં ‘કરો યા મરો’ની સ્થિતિ છે. એલિમિનેટરમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને મુંબઈએ ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવ્યું છે. તે મેચમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના આધારે મુંબઈ 20 રનથી મેચ જીતી ગઈ હતી. જ્યારે પંજાબ કિંગ્સ ક્વોલિફાયર 1 માં હાર્યા બાદ ક્વોલિફાયર 2 મેચમાં રમી રહી છે. બંને ટીમો ફાઈનલમાં પ્રવેશવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે, જ્યાં તેમનો સામનો RCB સામે થશે, જે પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ચૂકી છે.
બંને ટીમો વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સમાન સ્પર્ધા રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે. આ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 17 મેચ જીતી છે. જ્યારે જાબની ટીમે 16 મેચ જીતી છે. આ સિઝનમાં લીગ તબક્કામાં બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમ જીતવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: IPL 2025 : જો ક્વોલિફાયર-2 માં આવું થયું, તો મુંબઈ ઈન્ડિયન્સ બનશે ચેમ્પિયન ! જાણો ચોંકાવનારું સત્ય