Breaking News : પહેલા વૈભવ સૂર્યવંશી સાથે નકલી ફોટો આવ્યો, હવે પ્રીતિ ઝિન્ટા કોર્ટમાં ગઈ, નવો કેસ શું છે?
પ્રીતિ ઝિન્ટા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે પરંતુ કેમ? આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે 2 દિવસ પહેલા વૈભવ સૂર્યવંશી સાથે તેનો એક નકલી ફોટો વાયરલ થયો હતો. તો આ મામલો શેની સાથે જોડાયેલો છે. ચાલો સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.

પ્રીતિ ઝિન્ટા કોર્ટ પહોંચી ગઈ છે પરંતુ સવાલ એ છે કે, કેમ? કોર્ટના દરવાજા ખટખટાવવાનું કારણ શું છે, 18 મેના રોજ પંજાબ કિંગ્સ અને રજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિન્ટા વૈભવ સૂર્યવંશીને ગળે લગાવતી હોય તેવો ફોટો વાયરલ થયો હતો. લોકોએ આ ફોટાને સાચો માની લીધો, અંતે પ્રીતિ ઝિન્ટાએ સામે આવી કહેવું પડ્યું કે, આ નકલી ફોટો છે. હવે આ સમગ્ર ઘટનાના 2 દિવસ બાદ પ્રીતિ ઝિન્ટા કોર્ટમાં પહોંચી છે.
પ્રીતિ ઝિન્ટા કોર્ટ પહોંચી, શું છે નવો કેસ?
પ્રીતિ ઝિન્ટા કોર્ટ પહોંચવાનું કારણ તેનો અને રાજસ્થાન રોયલ્સનો ખેલાડી વૈભવ સૂર્યવંશીનો એક નકલી ફોટો વાયરલ થયો તે નથી. આની પાછળનું કારણ તેની આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સના બાકી કો-ઓનર્સ સાથે ચાલી રહેલો વિવાદ છે. અભિનેત્રી અને કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર પ્રીતિ ઝિન્ટા ફરી એક વખત સહ-નિર્દેશક મોહિત બર્મન અને નેસ વાડિયા વિરુદ્ધ ચંદીગઢની કોર્ટમાં પહોંચી છે.
કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પ્રીતિ ઝિન્ટાએ માંગ કરી છે કે 21 એપ્રિલે યોજાયેલી કંપનીની EGM ગેરકાયદેસર અને અમાન્ય જાહેર કરવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે આ બેઠક કંપની અધિનિયમ, 2013 અને જનરલ મીટિંગ્સ પર સચિવાલયના ધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને યોજાઈ હતી, જેમાં મોહિત બર્મન વતી નેસ વાડિયાનો સક્રિય સહયોગ હતો.
EGMમાં પસાર થયેલા ઠરાવો રોકવાની માંગ
પ્રીતિ ઝિન્ટા કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડમાં 23 ટકાની ભાગીદાર છે. જે કંપની અધિનિયમ 1956 હેઠળ નોંધાયેલ ખાનગી કંપની છે. પંજાબ કિંગ્સ ક્રિકેટ ટીમની માલિકી ધરાવતી આ કંપની IPLની ફ્રેન્ચાઇઝી ધારક છે.
પહેલા પણ મોહિત બર્મન વિરુદ્ધ કોર્ટ જઈ ચૂકી છે પ્રીતિ ઝિન્ટા
કોર્ટે પ્રતિવાદીઓને દાવાના જવાબમાં તેમના જવાબો દાખલ કરવા માટે નોટિસ જાહેર કરી છે. પ્રીતિ ઝિન્ટાએ અગાઉ પણ કોર્ટમાં અરજી કરી હતી કે મોહિત બર્મનને કંપનીમાં તેમના 11.5 ટકા હિસ્સા પર કોઈપણ તૃતીય પક્ષના અધિકારો બનાવવા, વેચવા અથવા ટ્રાન્સફર કરવાથી રોકવામાં આવે.