IND vs SL, 1st T20I, LIVE Streaming: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પ્રથમ T20, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ
શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે. આ શ્રેણી 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.

વેસ્ટ ઈન્ડિઝ ટીમને ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ભારતીય ટીમ (Indian Cricket Team) શ્રીલંકા સામે ટી-20 શ્રેણી ની શરૂઆત કરવા જઈ રહી છે. શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket Team) ભારતના પ્રવાસે છે જ્યાં તે પ્રથમ ત્રણ T20 મેચ રમશે અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સામનો બે ટેસ્ટ મેચમાં કરશે. આજે ગુરુવારથી ટી-20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે, જેની પ્રથમ મેચ લખનૌમાં રમાશે અને બાકીની બે મેચ ધર્મશાળામાં રમાશે. ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) શ્રીલંકા સામે પોતાના શાનદાર લયને ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.
ઇન-ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાથની ઇજાને કારણે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેના સિવાય દીપક ચહર પણ આ શ્રેણીનો ભાગ નહીં હોય, જે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. ચહર અને સૂર્યકુમાર હવે તેમની ઇજાની વધુ સારવાર માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. બીસીસીઆઈએ આ બે ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાને કોઈ ખેલાડીની પસંદગી કરી નથી કારણ કે ટીમમાં પહેલાથી જ વિકલ્પો છે.
રવિન્દ્ર જાડેજા પરત ફરશે
ઈજામાંથી સાજા થયા બાદ બે મહિના પછી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન બાદ કહ્યું કે દેશ માટે ફરીથી રમવું ખૂબ જ સારુ લાગી રહ્યુ છે. ઘૂંટણની ઈજાને કારણે જાડેજા દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે શ્રેણી રમી શક્યો ન હતો. તે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ક્યારે રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ 24 ફેબ્રુઆરી (ગુરુવાર) ના રોજ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.