ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થયો છે. સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. વનડે સિરીઝમાં 3-0 થી હાર્યા બાદ જીતનો સ્વાદ ચાખવા માટે શરુઆતથી જ રાંચીમાં આક્રમક શરુઆત કિવી ઓપનરોએ કરી હતી. જોકે વોશિંગ્ટન સુંદરે પાંચમી ઓવરમાં કમાલ કરી દીધો હતો. તોફાની રમતનો અંદાજ બતાવી રહેલા ફિન એલન અને ત્યાર બાદ માર્ક ચેપમેનને શૂન્યમાં આઉટ કરીને પરત મોકલ્યા હતા.
વોશિંગ્ટન સુંદર ઈનીંગની પાંચમી ઓવર લઈને આવ્યો હતો. તે આવ્યો ત્યાં સુધીમાં ન્યુઝીલેન્ડે 4 ઓવરમાં વિના વિકેટે 37 રન નોંધાવ્યા હતા. ઓપનર ફિન એલન 21 બોલમાં 29 રન નોંધાવી ચુક્યો હતો. સુંદરનુ આગમન થતા જ તેણે છગ્ગા સાથે સ્વાગત કર્યુ હતુ. જોકે સુંદરે આગળના બોલ પર એલનને સિધો જ સૂર્યાના હાથમાં ઝડપાવ્યો હતો. ભારતને પાંચમી ઓવરમાં આ પ્રથમ સફળતા મળી હતી. ત્યાર બાદ માર્ક ચેપમેન આવ્યો હતો. જોકે તેને શૂન્ય રન પર જ સુંદરે પરત મોકલ્યો હતો.
ઓવરના અંતિમ બોલને ઓફ સાઈડ બહારનો બોલ ડિલિવર કર્યો હતો. જેને ચેપમેને પુશ કરી દીધો હતો. હવામાં બોલ સહેજ ઉછળતા વોશિંગ્ટન સુંદરે દોડીને છલાંગ લગાવી દીધી હતી. ડાઈવ લગાવે તેણે અદ્ભૂત કેચ ઝડપ્યો હતો. તેનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ચુક્યો છે.
What a tremendous catch by Washington Sundar.
Absolutely outstanding! pic.twitter.com/WyyCUKNHDE
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 27, 2023
ગજબના કેચને ફિલ્ડ અંપાયર પણ સરળતાથી માની શક્યા નહોતા. અવિશ્વસનીય કેચને સ્વિકારવા માટે અંપાયરોએ ત્રીજા અંપાયરની મદદ લેવી પડી હતી. રિપ્લે જોઈને ટીવી અંપાયરે ફિલ્ડ અંપાયરને નિર્ણય જાહેર કરવામાં મદદ કરવી પડી હતી. સુંદરનો કેચ આશ્ચર્યજનક હતો, સ્ટેડિયમમાં ઉપસ્થિત અને ટીવી પર મેચને જોઈ રહેલા સૌ કોઈ દંગ રહી ગયા હતા.
ભારત સામે 6 વિકેટના નુક્શાન પર ન્યુઝીલેન્ડની ટીમે 176 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર ડેવેન કોન્વેએ અડધી સદી નોંધાવી હતી. અંતમાં ડેરેલ મિશેલે તોફાની અડધી સદી નોંધાવી હતી. તેણે 5 છગ્ગા જમાવ્યા હતા.