IND vs AUS: વિરાટ, રોહિત અને અશ્વિનની બાદ અક્ષર પટેલ અને કેએલ રાહુલને કેટલા ફળશે લગ્ન?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી નાગપુરમાં ટેસ્ટ મેચ શરુ થવા જઈ રહી છે. બંને વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની આ સાથે શરુઆત થશે અને દોઢ મહિનો રેડ બોલ ક્રિકેટનો માહોલ જામશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી ટેસ્ટ મેચની શરુઆત થઈ રહી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં 4 ટેસ્ટ મેચો રમાનારી છે. આ માટે બંને ટીમોએ ખૂબ અભ્યાસ કરીને તૈયારીઓ કરી હતી. હવે બંને ટીમો મેદાનમાં સામ સામે થવા જઈ રહી છે. આ દરમિયાન થોડા દિવસ અગાઉ વરરાજાના રુપમાં જોવા મળ્યા હતા, એ બંને દુલ્હા નાગપુરમાં છેલ્લા ચારેક દીવસ દરમિયાન ખૂબ પરસેવો વહાવી ચુક્યા છે. જે ચહેરો લગ્ન મંડપમાં હિરોની જેમ ચમકી રહ્યો હતો એ તડકામાં નેટ્સમાં રેલા ઉતરતો જોવા મળી રહ્યો હતો. કારણ કે લગ્ન બાદ હવે બંને ખેલાડીઓ મેદાનમાં હિરો બનવા માટે તપી રહ્યા છે.
જોકે સવાલ એ છે કે, અગાઉ ગણા ક્રિકેટરો લગ્ન બાદ રજાઓ પુરી કરી સીધા ક્રિકેટના મેદાનમાં આવ્યા છે. આ દરમિયાન તેઓની સાથે લગ્નનુ કિસ્મત ક્નેકશનને લઈ ચર્ચાઓ પણ ખૂબ થઈ છે. જોકે અહીં ટીમ ઈન્ડિયાના વર્તમાન ખેલાડીઓ પર નજર કરીશુ કે તેમને લગ્ન કેટલા ફળ્યા હતા.
રાહુલ અને અક્ષર લગ્ન બાદ નાગપુર પહોંચ્યા
ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલે ગત 23 જાન્યુઆરીએ ખંડાલામાં બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. અથિયા સુનિલ શેટ્ટીની પુત્રી છે. જ્યારે નડીયાદના અક્ષર પટેલે પોતાના વતનમાં જ લગ્નનો સમારોહ યોજ્યો હતો. અક્ષર પટેલે વડોદરાની મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંને લગ્નની રજાઓ પૂરી કરીને નાગપુર ટીમ ઈન્ડિયાના અભ્યાસ કેમ્પમાં જોવા મળ્યા હતા.
જોકે હાલ તો અક્ષરને નાગપુર ટેસ્ટમાં ફીફટી ચાન્સ છે. તો રાહુલને જવાબદારી વાઈસ કેપ્ટનની હોઈ સ્થાન મળી શકે છે. અક્ષર પટેલ એક રીતે ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ખેલાડી છે, પરંતુ રવિન્દ્ર જાડેજાના પરત ફરવાથી ક્ષમતા છતાં બહાર બેસવુ પડી શકે છે. જ્યારે કુલદીપ બહાર બેસે તો પટેલને તક મળે એમ છે.
કોહલી, રોહિત અને અશ્વિનનુ લગ્ન બાદ આમ રહ્યુ પ્રદર્શન
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નઃ સ્ટાર બેટ્સમેને બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્મા સાથે લગ્ન 11 ડિસેમ્બર 2017માં થયા હતા. લગ્ન બાદ તુરત જ વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમ્યો હતો. જેમાં વિરાટ સિરીઝમાં ટોપ સ્કોરર બેટ્સમેન 268 રન નોંધાવીને રહ્યો હતો.
રોહિત શર્મા અને રીતિકા સજહેદના લગ્નઃ ભારતીય ટીમના વર્તમાન સુકાની રોહિત શર્માએ 2015ના વર્ષમાં 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચ્યો હતો. જ્યાં રોહિતે 5 મેચોની વનડે સિરીઝમાં 441 રન નોંધાવ્યા હતા. સિરીઝમાં તેણે એક વનડેમાં અણનમ 171 રનની ઈનીંગ રમી હતી.
રવિચંદ્રન અશ્વિન અને પ્રીતિ નારાયરણના લગ્નઃ ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને 13 નવેમ્બર 2011માં પ્રિતી સાથે લગ્ન કર્યા હતા. જેના બાદ તે વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરે આંગણે ટેસ્ટ સિરીઝ રમ્યો હતો. જેમાં તેણે 22 વિકેટ ઝડપી હતી. અશ્વિને આ સિરીઝમાં 121 રનનુ યોગદાન પણ આવ્યુ હતુ.