IND vs AUS 1st Test: ભારતીય ટીમનો દબદબો કે ઓસ્ટ્રેલિયાનો બદલો! હવે થશે ફેંસલો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે સવારે 4 ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચની શરુઆત થનારી છે. રોહિત શર્મા અને પેટ કમિન્સ માટે અગ્નિપરીક્ષા રુપ સિરીઝની શરુઆત થનારી છે.
ગુરુવાર થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જબરદસ્ત ટક્કર જામનારી છે. વિશ્વની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને ભારત પછાડવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ સિરીઝ માટે પહેલાથી જ ખૂબ કમર કસી લીધી છે. હવે લડાઈ વાસ્તવિકતાની શરુ થવાની છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત પહેલા વાકયુદ્ધ પણ ઘણાં ચાલ્યા અને રણનિતી સાથે અભ્યાસ પણ ખૂબ પરસેવો વહાવી કર્યો છે. હવે નાગપુર ટેસ્ટ સાથે જ અગ્નિપરીક્ષાની શરુઆત થનારી છે.
ટીમ ઈન્ડિયા ઘર આંગણે બાદશાહ છે. અહીં ભારતીય ટીમ સામે જીત મેળવવી એટલે કિલ્લો ભેદવા સમાન શક્તિનો ઉપયોગ કરવો પડે એમ છે. ભારત પ્રવાસે આવીને ઓસ્ટ્રેલિયા છેલ્લા 18 વર્ષમાં માત્ર એક જ ટેસ્ટ મેચ જીતી શક્યુ છે. આવામાં એશિઝમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાનને તેની ધરતી પર હરાવ્યુ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાને પણ સરળતાથી હરાવ્યુ હતુ. હવે ઓસ્ટ્રેલિયા ભારતમાં છે, જ્યાં તેના માટે જીત એક સપનુ છે. જે રોહિત અને તેની કંપની સામે પુરુ કરવુ મુશ્કેલ છે.
ખરો ‘ટેસ્ટ’ રોહિત શર્માનો
ભારતીય ટીમનો નિયમીત કેપ્ટન રોહિત શર્માને સુકાન સંભાળ્યાને એક વર્ષનો સમય થયો છે. હવે રોહિત શર્મા માટે સૌથી મોટો ટેસ્ટ સામે છે. રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યા બાદ માત્ર 2 જ ટેસ્ટ મેચમાં હિસ્સો લીધો છે. આ વાતને પણ એક વર્ષનો સમય વહી ગયો. હવે સીધો જ કેપ્ટન ટેસ્ટ સિરીઝમાં આગેવાની કરશે. લાંબા અરસા બાદ સફેદ જર્સીમાં રોહિતને ખૂબ દબાણ સહવુ પડશે. કેપ્ટનશિપના ટેસ્ટ સાથે ભારતની ઘર આંગણે નહીં હારવાનો રેકોર્ડ જાળવી રાખવો પડશે. ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચાડે એવી જીત પણ મેળવવી પડશે.
રોહિત સાથે ભારતીય બેટરો માટે પણ પરીક્ષા શરુ થઈ રહી છે. ભારતીય ટીમના બેટરોએ ખરા અર્થમાં જરુરિયાતના સમયે હવે પોતાનો બેટ ચલાવવુ પડશે, નહીંતર લાંબો વિરામ મેળવવા માટે તૈયાર રહેવુ પડશે. ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા પર પણ નજર રહેશે. વિરાટે અંતિમ વાર ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં 46 રન નોંધાવ્યા હતા. ભારતીય બેટિંગ લાઈને સ્પિનરો સામે મુશ્કેલી વેઠવી પડી શકે છે. નાથન લાયન અને એશ્ટન એગરનો સામનો કરવા તૈયાર રહેવુ પડશે. સ્વીપ શોટનો અભ્યાસ અહીં કેટલો કારગત નિવડે છે એ પણ જોવુ રહ્યુ.
બદલો લેવાનો ઈરાદો હશે કાંગારુઓને!
ઓસ્ટ્રેલિયા 18 વર્ષની રાહ ખતમ કરવા પ્રયાસ કરશે. 2004 બાદથી ઓસ્ટ્રેલિયા માટે ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવી એ સપનુ બની રહ્યુ છે. 2004 બાદ 2017માં ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસમાં માત્ર એક ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 2018-19 અને 2020-21 ની બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં હાર આપી હતી, એ પણ તેની જ ઘરતી પર. આમ ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરમાં ઘૂસીને પરાજય આપવાનો બદલો પણ લેવા ઈચ્છશે.
સ્ટીવ સ્મિથે પાંચ વર્ષ અગાઉ ભારત પ્રવાસ દરમિયાન જબરદસ્ત ફોર્મ દર્શાવ્યુ હતુ. સ્મિથે 499 રન નોંધાવ્યા હતા અને ફરીથી એજ ફોર્મનુ પુનરાવર્ત કરવાનુ સપનુ જોઈ રહ્યો છે. જોકે ભારતીય સ્પિનરો પણ કાંગારુ ખેલાડીઓને ઠંડક ભર્યા માહોલમાં પરસેવો છોડાવવા માટે તૈયાર છે. રવિચંદ્રન અશ્વિન સાથે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ કાંગારુઓને પરેશાન કરી શકે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા: સંભવિત પ્લેઇંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન અગર, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.