IND vs SA : કોલકાતા ટેસ્ટ પહેલા ઈડન ગાર્ડન્સની પિચ વિશે સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરે કોલકાતામાં રમાશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ અને પડકારજનક રહેશે, કારણ કે તેનો સામનો વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ પહેલા સૌરવ ગાંગુલીએ પિચ વિશે મોટો ખુલાસો કર્યો છે.

ઓસ્ટ્રેલિયામાં ODI અને T20 શ્રેણી રમ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે તાત્કાલિક ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. આગામી બે અઠવાડિયા કેપ્ટન શુભમન ગિલની ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. હંમેશની જેમ, ભારતમાં યોજાઈ રહેલી આ શ્રેણીમાં પિચ પર ખાસ ધ્યાન રહેશે, અને એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાએ આ સંદર્ભમાં તેની ભૂલોમાંથી શીખ મેળવી લીધી છે. તેથી, ટીમે કોઈ માંગણી કરી નથી. સૌરવ ગાંગુલીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પહેલી ટેસ્ટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં અને બીજી ગુવાહાટીમાં રમાશે. ગુવાહાટીમાં આ પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચ હશે. ઈતિહાસ પર નજર કરીએ તો પણ, આપણે આગાહી કરી શકતા નથી કે પિચ કેવી રીતે વર્તે છે. જોકે, સ્પિનરો હંમેશા કોલકાતામાં ચમક્યા છે, અને આ વખતે પણ સ્પિનરોનો દબદબો રહેશે તેવી અપેક્ષા છે.
ટીમ ઈન્ડિયાએ પિચ માટે કોઈ માંગણી કરી?
પરંતુ શું ઈડન ગાર્ડન્સની પિચ તેના નેચર અનુસાર દિવસ આગળ વધતા વધુ ટર્નિંગ બનશે? શું ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસથી જ ટર્નિંગ પિચની માંગણી કરી છે? ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો છે કે ટીમ ઈન્ડિયાએ આવી કોઈ માંગણી કરી નથી. સૌરવ ગાંગુલીએ કહ્યું, “ટીમ ઈન્ડિયાએ હજુ સુધી ટર્નિંગ પિચની માંગની કરી નથી, તેથી હું તેનો જવાબ આપી શકીશ નહીં. પરંતુ પિચ ખૂબ સારી લાગે છે.”
મેચ પૂરા પાંચ દિવસ સુધી ચાલશે તેવી પિચ
દરમિયાન, કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ ગૌતમ ગંભીર સાથેની બોલાચાલીના કારણે IPL દરમિયાન ચર્ચામાં આવેલા ઈડન ગાર્ડન્સના ક્યુરેટર સુજાન મુખર્જી સ્ટેડિયમના 22-યાર્ડ સ્ટ્રીપથી સંતુષ્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે પિચ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે મેચ પૂરા પાંચ દિવસ સુધી ચાલશે. મુખર્જીએ એવી આશા પણ વ્યક્ત કરી કે ત્રીજા દિવસથી પિચ પર બોલ વધુ સ્વિંગ થઈ શકે છે. આનો અર્થ એ છે કે પ્રથમ બે દિવસ બેટિંગ માટે સારા રહેશે.
ટીમ ઈન્ડિયાએ પોતાની ભૂલમાંથી પાઠ શીખ્યો
આ નિવેદનો સૂચવે છે કે ટીમ ઈન્ડિયાએ પોતાનો પાઠ શીખી લીધો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બેટ્સમેનોએ ઘરઆંગણે વિદેશી સ્પિનરો સામે સંઘર્ષ કર્યો છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રથમ ટેસ્ટ હાર્યા પછી, ભારતીય ટીમે ઈન્દોરમાં ટર્નિંગ પિચ તૈયાર કરી અને કારમી હારનો સામનો કરવો પડ્યો. મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરી દીધું હતું, જેના પરિણામે ઘરઆંગણે પહેલીવાર ભારતનો 3-0 થી ક્લીન સ્વીપ થયો.
આ પણ વાંચો: બેંગલુરુ નહીં, પણ આ શહેર બનશે RCBનું હોમ ગ્રાઉન્ડ ? IPL 2026 પહેલા મોટી અપડેટ
