IND vs SA: ધ્રુવ જુરેલ કોલકાતા ટેસ્ટમાં રમશે, આ સ્ટાર ખેલાડી થશે ટીમની બહાર, કોચે કરી મોટી જાહેરાત
કોલકાતા ટેસ્ટ મેચ: ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ધ્રુવ જુરેલે પોતાની શાનદાર બેટિંગથી પ્લેઈંગ 11 માં સ્થાન મેળવવાનો દાવો કર્યો હતો. જુરેલે દક્ષિણ આફ્રિકા એ સામેની મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. હવે કોચે ટીમ પહેલી ટેસ્ટમાં ટીમ કોમ્બિનેશન અંગે મોટી વાત કહી છે અને ધ્રુવના રમવા અંગે મોટો ખુલાસો કર્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થઈ રહી છે, અને ટેસ્ટના માત્ર 48 કલાક પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. બધી અપેક્ષાઓ અને દાવાઓ સાચા પડતા દેખાય છે, કારણ કે ઈન-ફોર્મ યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને કોલકાતા ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન્ડેશકેટે મેચના બે દિવસ પહેલા આ જાહેરાત કરી હતી.
આસિસ્ટન્ટ કોચે કર્યો ખુલાસો
બુધવાર, 12 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયાના બીજા પ્રેક્ટિસ સેશન પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસિસ્ટન્ટ કોચ ટેન્ડેશકેટે પ્લેઈંગ ઈલેવન અંગે આ ખુલાસો કર્યો હતો. ધ્રુવ જુરેલને રમવા અંગે પૂછવામાં આવતા આસિસ્ટન્ટ કોચે કહ્યું, “મને લાગે છે કે અમને કોમ્બિનેશન (પ્લેઈંગ ઈલેવન) વિશે સારો ખ્યાલ છે. ધ્રુવ જુરેલ છેલ્લા છ મહિનામાં જે રીતે રમ્યો છે અને ગયા અઠવાડિયે બેંગલુરુમાં તેણે જે બે સદી ફટકારી છે, તે જોતાં તે આ અઠવાડિયે રમશે તે ચોક્કસ છે.”
ધ્રુવ જુરેલ કોલકાતા ટેસ્ટમાં રમશે
જુરેલે ગયા વર્ષે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પ્રભાવિત કર્યા હતા. તેણે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પંતની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી, જેમાં ત્રણ ઈનિંગમાં 175 રન બનાવ્યા હતા, જેમાં તેની પ્રથમ ટેસ્ટ સદીનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ જુરેલે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા એ સામે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી.
નીતિશે કુમાર રેડ્ડી થશે બહાર
જોકે, જુરેલ વિકેટકીપર તરીકે રમશે નહીં કારણ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત આ શ્રેણીમાં વાપસી કરી રહ્યા છે. પંત વિકેટકીપરની જવાબદારી સંભાળશે, અને જુરેલ માટે બીજા ખેલાડીએ રસ્તો છોડવો પડશે. કોચ ટેન્ડેશકેટે આ વાતનો ખુલાસો પણ કર્યો અને ઉમેર્યું કે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને બહાર બેસવું પડી શકે છે. નીતિશ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ હતો, પરંતુ તેને ત્યાં ખૂબ ઓછી તક મળી હતી.
રિષભ પંતની વાપસી
કોચ ટેન્ડેશકેટે ઓસ્ટ્રેલિયાના તાજેતરના પ્રવાસનો ઉલ્લેખ કર્યો, જ્યાં રેડ્ડી ઈજાને કારણે એક મેચ ચૂકી ગયો હતો. તેમણે કહ્યું, “પહેલી વાત એ છે કે જીતવાની રણનીતિ વિકસાવવી. નીતિશ વિશે આપણી વિચારસરણી બદલાઈ નથી. તેને ઓસ્ટ્રેલિયામાં વધુ તક મળી નથી. પરંતુ હું કહીશ કે શ્રેણીના મહત્વ અને અહીં આપણે જે પરિસ્થિતિઓનો સામનો કરીશું તેને જોતાં, નીતિશ આ ટેસ્ટમાંથી બહાર બેસી શકે છે.”
આ પણ વાંચો: IPL Trading Window: IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા નથી નંબર 1
