ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝમાં તૂટયો 55 વર્ષ જૂનો રેકોર્ડ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી સ્પિન બોલરોનો દબદબો રહ્યો છે. બંને ટીમોના સ્પિનરોએ મળીને શાનદાર સિદ્ધિ મેળવી છે અને 55 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. મુંબઈ ટેસ્ટમાં પણ સ્પિનરોએ અત્યાર સુધી 24 વિકેટ ઝડપી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ ખુબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 143 રનની લીડ મેળવી લીધી છે. પરંતુ હવે તેના હાથમાં માત્ર 1 વિકેટ બચી છે. તે જ સમયે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 150 રનના લક્ષ્યનો પીછો કરવો પણ ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હજુ પણ તણાવ ઓછો થયો નથી.
અત્યાર સુધી આ શ્રેણીમાં સ્પિન બોલરોનો દબદબો જોવા મળ્યો છે. મુંબઈમાં પણ કંઈક આવું જ થયું અને બંને ટીમના સ્પિનરોએ મળીને એક મોટો રેકોર્ડ તોડ્યો. હાલમાં મુંબઈ ટેસ્ટની ત્રીજી ઈનિંગ ચાલી રહી છે અને સ્પિનરોએ કુલ 24 વિકેટ ઝડપી છે. બેંગલુરુ અને પુણે ટેસ્ટમાં પણ સ્પિનરોનો દબદબો જોવા મળ્યો હતો.
સ્પિનરોએ 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી
આ શ્રેણીમાં સ્પિન બોલરોએ અત્યાર સુધી 71 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે સ્પિનરોએ 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી હોય. આ પહેલા 1969માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 69 વિકેટ સ્પિનરોના નામે હતી. હવે 55 વર્ષ બાદ આ બંને ટીમોએ મળીને આ રેકોર્ડ તોડ્યો છે.
અગાઉ વર્ષ 1956માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં સ્પિનરોએ 66 વિકેટ ઝડપી હતી. વર્ષ 1976માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ શ્રેણીમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો. ત્યારબાદ સ્પિન બોલરોએ 65 વિકેટ ઝડપી હતી. પરંતુ હવે આ પહેલીવાર બન્યું છે જ્યારે સ્પિનરોએ ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 70 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો હોય.
યાદીમાં સુંદર વોશિંગ્ટન ટોચ પર
આ રેકોર્ડ તોડવામાં સૌથી મોટી ભૂમિકા વોશિંગ્ટન સુંદરની છે. અત્યાર સુધી તેણે બે મેચની 4 ઇનિંગ્સમાં 16 વિકેટ ઝડપી છે. આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે હાલમાં નંબર વન પર છે. બીજા સ્થાને રવિન્દ્ર જાડેજાનું નામ છે, જેણે અત્યાર સુધી 15 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય મિશેલ સેન્ટનરે પણ 13 બેટ્સમેનોને આઉટ કર્યા છે. જોકે, આર અશ્વિને આ સિરીઝમાં અત્યાર સુધી માત્ર 9 વિકેટ લીધી છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.