ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું ગત મંગળવારે વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયુ હતુ. 95 વર્ષની વયે પૂર્વ ક્રિકેટરે પોતાના અંતિમ શ્વાસ હોસ્પિટલમાં લીધા હતા. જેમના અવસાનના સમાચાર સાથે જ દેશ અને દુનિયાના ક્રિકેટ ચાહકો અને ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો હતો. જોકે ભારતીય ટીમના ખેલાડીઓ મેદાનમાં શોક વ્યક્ત કરવાનું ગુરુવારે ચુકી ગયા હતા.
જેને લઈ સોશિયલ મીડિયામાં અનેક સવાલો ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCI સામે સર્જાયા હતા. સામાન્ય રીતે દેશ વિદેશના પૂર્વ ક્રિકેટરના અવસાનને લઈ ભારતીય ખેલાડીઓ મેદાનમાં કાળી પટ્ટી ધારણ કરીને ઉતરતા જોવા મળે છે. જોકે દત્તાજીરાવ ગાયકવાડના અવસાન બાદ ટેસ્ટ ક્રિકેટ રાજકોટમાં શરુ થઇ હોવા છતાં પ્રથમ બંને દિવસે ખેલાડીઓ કાળી પટ્ટી ધારણ કર્યા વિના જ મેદાને ઉતર્યા હતા.
સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈએ ભૂલને સુધારી લીધી હતી. દત્તાજીરાવ ગાયકવાડના નિધનને લઈ કાળી પટ્ટી ધારણ કરીને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ શનિવારે મેદાનમાં જોવા મળ્યા હતા. ટી શર્ટની બાંય પર ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી હતી અને ગાયકવાડના નિધનને લઈ શોક વ્યક્ત કર્યો હતો.
જોકે આ ત્રીજા દિવસની રમતમાં જોવા મળ્યુ હતુ. ગાયકવાડનું અવસાન ગત મંગળવારે એટલે કે 13 ફેબ્રુઆરીએ ગુજરાતના વડોદરામાં થયુ હતુ. જ્યારે ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીએ ગુરુવારથી ગુજરાતના રાજકોટ શહેરમાં રમાઈ રહી છે. આમ ત્રીજા દિવસની રમત દરમિયાન ટીમ ઈન્ડિયાએ શોક વ્યક્ત કર્યો હતો.
દત્તાજીરાવ ગાયકવાડે ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન 1959માં ઇંગેલેન્ડ સામેની ટેસ્ટ મેચની સિરીઝમાં સંભાળ્યું હતુ. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ભારત પ્રવાસે છે અને ગુજરાતમાં જ ટેસ્ટ મેચ રમી રહી છે. દત્તાજીરાવ ગાયકવાડનું ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં 1952 થી 1961 સુધી જોડાયેલા હતા. આ દરમિયાન તેઓએ 11 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેઓએ 350 રન નોંધાવ્યા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડના પુત્ર અંશુમાન ગાયકવાડ પણ ક્રિકેટમાં જાણિતા ખેલાડી રહી ચૂક્યા છે. તેઓએ ભારત વતીથી 40 ટેસ્ટ મેચ રમી હતી. આમ પિતા અને પુત્ર બંને ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિનિધિ રહી ચૂક્યા છે.
Published On - 12:26 pm, Sat, 17 February 24