IND vs AUS : પહેલા જ બોલે મોહમ્મદ શમીએ કરી મોટી ભૂલ, ટ્રેવિસ હેડનો આસાન કેચ છોડ્યો, જુઓ વીડિયો
ચેમ્પિયન્સ ટ્રોફીના પહેલા સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ મોટી ભૂલ કરી દીધી. મેચના પહેલા જ બોલ પર શમીએ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડનો કેચ છોડી દીધો હતો. શમીની આ ભૂલ ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે તેમ હતી, પરંતુ સદનસીબે હેડ માત્ર 39 રન જ બનાવી શક્યો અને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ દુબઈમાં શરૂ થઈ ગઈ છે. ભારતે ટોસ હાર્યો અને ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ આ મેચના પહેલા જ બોલ પર સૌથી મોટી ભૂલ કરી. મોહમ્મદ શમીએ પહેલા જ બોલ પર ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ટ્રેવિસ હેડનો કેચ છોડી દીધો. હેડ જેવા ખતરનાક બેટ્સમેનનો કેચ છોડવો ભારત માટે મોટું જોખમ ઉભું કરી શકે તેમ હતું. જો કે હેડ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહીં અને 39 રન બનાવી આઉટ થયો હતો.
શમીએ પહેલા બોલ પર કેચ છોડી દીધો
ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને કૂપર કોનોલી ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. ટ્રેવિસ હેડે પહેલા બોલનો સામનો કર્યો. શમીએ પહેલો બોલ ફેંક્યો અને હેડે આગળ વધીને શોટ માર્યો. બોલ સીધો શમી પાસે પહોંચ્યો અને તેણે એક હાથે તેને પકડવાનો પ્રયાસ કર્યો પણ તે કેચ લઈ શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાને પહેલા જ બોલ પર હેડના રૂપમાં મોટું જીવનદાન મળ્યું. બાદમાં, હેડ રન આઉટ થવાથી પણ માંડ-માંડ બચી ગયો.
Travis Head’s dropped catch on the first ball by Shami#INDvsAUS pic.twitter.com/oEjqRAl4bz
— Mushir (@CryptoMushir) March 4, 2025
શમીએ બીજી ઓવરમાં લીધી વિકેટ
ભલે મોહમ્મદ શમીએ મેચના પહેલા બોલ પર મોટી ભૂલ કરી હોય, પરંતુ તેણે પોતાની બીજી ઓવરમાં ભારતને થોડી રાહત આપી. શમીએ તેની બીજી ઓવરના છેલ્લા બોલ પર કૂપર કોનોલીને આઉટ કર્યો. બોલ કૂપરના બેટની બહારની ધારને અડીને વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં ગયો. કૂપરે 9 બોલનો સામનો કર્યો પણ તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા મેથ્યુ શોર્ટના સ્થાને તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Travis Head dropped on 0 by Shami #INDvsAUS | #ChampionsTrophy pic.twitter.com/nUXcwMNF1Z
— Indian Cricket Team (@incricketteam) March 4, 2025
ભારત સામે હેડના મજબૂત આંકડા
ટ્રેવિસ હેડ એક એવો બેટ્સમેન છે જેનું બેટ ભારત સામે ખૂબ ચાલે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તે 448 રન સાથે હાઈએસ્ટ રન સ્કોરર હતો. તેણે અગાઉ 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે 137 રનની ઈનિંગ રમી હતી અને ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી. જ્યારે હેડે 2023 WTC ફાઈનલમાં પણ શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારે તેણે ભારતીય બોલરો સામે 174 બોલમાં 163 રન બનાવ્યા હતા. આ ટાઈટલ પણ ઓસ્ટ્રેલિયાએ જીત્યું હતું.
આ પણ વાંચો: Champions Trophy : જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ રદ્દ થાય, તો કોણ રમશે ફાઈનલ? જાણો શું છે ICCનો નિયમ