વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદોમાં, મારપીટ કરવાને લઈ પત્નિએ નોંધાવી પોલીસ ફરીયાદ
ભારતીય પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદોમાં છે, આ વખતે તેની પત્નિએ પોતાને મારપીટ કર્યાની બાંદ્રા પોલીસ મથકમાં FIR નોંધાવી છે.
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે. આ વખતે તેની પત્નિ જ તેના વિરુદ્ધમાં પોલીસ મથકે પહોંચી છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની સાથે મારપીટ કરવાને લઈ બાંદ્રા પોલીસ મથકમાં કાંબલીની પત્નિએ FIR નોંધાવી છે. ફરિયાદમાં આરોપ ઘડવામાં આવ્યો છે કે, વિનોદ કાંબલીએ દારુ પીને તેને ગાળો આપીને મારપીટ કરી હતી. ભારતીય ક્રિકેટ માં સ્ટાર ખેલાડી રહી ચુકેલા કાંબલી સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હવે વધુ એક ફરિયાદનો મામલો સામે આવ્યો છે.
પત્નિને માથામાં કૂકિંગ પેન ફેંકીને માથામાં માર્યુ હતુ અને જેમાં તેની પત્નિને માથામાં ઈજા પહોંચી છે. જેને લઈ પત્નિએ બાંદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વિનોદ કાંબલી સામે આઈપીસી 324 અને 504 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
નશામાં પત્નિને મારામારી કરી
મીડિયા રીપોર્ટનુસાર વિનોદ કાંબલી અને તેની પત્નિ વચ્ચે અડધી રાત્રે ઘર્ષણ સર્જાયુ હતુ. રાત્રીના એકાદ વાગ્યાના અરસા દરમિયાન નશાની હાલતમાં જ પોતાના બાંદ્રા સ્થિત ફ્લેટ પર પહોંચ્યો હતો. જ્યાં દારુના નશાની હાલતમાં પત્નિ સાથે ઘર્ષણ પર ઉતર્યો હતો. કાંબલીએ પત્નિને ગાળો આપી હતી અને બાદમાં રસોડામાંથી કુકીંગ પેન લઈ આવ્યો હતો અને પત્નિના માથા પર છુટ્ટુ ઘા કરી માર્યુ હતુ. જે કાંબલીની પત્નિના માથામાં વાગ્યુ હતુ.
ઈજાને લઈ પત્નિ સારવાર માટે ભાભા હોસ્પિટલ પહોંચી હતી અને ત્યારબાદ બાંન્દ્રા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ઘરમાં મારપીટની ઘટના 12 વર્ષના પુત્રની હાજરીમાં થઈ હતી અને ઘટનાને લઈ તે પણ ડરી ગયો હતો.
ગત વર્ષે પણ ફરિયાદ દાખલ થઈ હતી
બાંન્દ્રા પોલીસ સક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ વિનોદ પત્નિને ડરાવતો ધમકાવતો રહે છે અને તેને તેમજ તેના પુત્રને ગાળો આપે છે. વિનોદ પુત્રને પણ મારતો હોવાનો પણ આરોપ કર્યો છે. રાત્રે કરેલી મારામારીમાં પેન માથામાં માર્યા બાદ બેટ વડે માર માર્યો હતો. કાંબલીએ ઘટના બાદ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે.
દારુના નશામાં ગત વર્ષ ફેબ્રુઆરીમાં પોતાની ગાડીથી ટક્કર મારીને વિવાદ સર્જવાનો મામલો સામે આવ્યો હતો. જે વખતે પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. આમ વિનોદ કાંબલીના નામે વધુ એક વિવાદ સામે આવ્યો છે. 1990 ના દાયકામાં, વિનોદ કાંબલીએ ભારતીય ટીમમાં જગ્યા બનાવી હતી અને લાંબા સમય સુધી ટીમનો હિસ્સો રહ્યો હતો. તેણે ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી જેમાં તેના નામે 3500થી વધુ રન છે.