ICC T20 WC Breaking News: વર્લ્ડ કપમાં સર્જાયો ‘મોટો અપસેટ’… શું થઈ ગયું ઓસ્ટ્રેલિયાને? મુઝારાબાની અને ઇવાન્સની બોલિંગ સામે કાંગારૂઓ લાચાર
ICC T20 વર્લ્ડ કપમાં એક મોટો અપસેટ જોવા મળ્યો, જ્યાં ઝિમ્બાબ્વેએ શક્તિશાળી ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ રચી કાઢ્યો હતો. મુઝારાબાની અને ઇવાન્સની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સંપૂર્ણ રીતે લાચાર જોવા મળ્યા હતા.

તાજેતરમાં રમાયેલી ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઝિમ્બાબ્વેએ 20 ઓવરના અંતે 169 રન 2 વિકેટના નુકસાન પર બનાવ્યા હતા, જેમાં ટીમનો રન રેટ 8.45 રહ્યો હતો. આ ઇનિંગની સૌથી ખાસ વાત એ હતી કે, ઓપનિંગ બેટ્સમેન બ્રાયન બેનેટ અંત સુધી અણનમ (not out) રહ્યો હતો. તેણે 56 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
ઝિમ્બાબ્વેના બેટ્સમેનો લયમાં જોવા મળ્યા
ઇનિંગની શરૂઆતમાં તડિવાનાશે મારુમાનીએ પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 21 બોલમાં 7 ચોગ્ગા ફટકારીને 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ રયાન બર્લે મધ્યમ ક્રમમાં આવીને 30 બોલમાં 4 ચોગ્ગા સાથે 35 રનનું યોગદાન આપ્યું હતું. અંતે ટીમના કેપ્ટન સિકંદર રઝાએ ડેથ ઓવર્સમાં પોતાની તાકાત બતાવી હતી. રઝાએ માત્ર 13 બોલમાં 2 ચોગ્ગા અને 1 શાનદાર છગ્ગાની મદદથી અણનમ 25 રન ફટકાર્યા હતા, જે ટીમના સ્કોરને 169 સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થયા હતા.
ઓસ્ટ્રેલિયાના બોલર્સ ‘ધ્વસ્ત’
ઓસ્ટ્રેલિયાના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો, કેમેરોન ગ્રીન સૌથી કરકસરયુક્ત બોલર રહ્યો હતો, જેણે 1.1 ઓવરમાં માત્ર 6 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસે 2.5 ઓવરના સ્પેલમાં 17 રન આપીને 1 મહત્વની વિકેટ મેળવી હતી. બીજી તરફ, બેન ડ્વારશુઈસ ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે 4 ઓવરમાં 40 રન લુટાવ્યા હતા. સ્ટાર સ્પિનર એડમ ઝમ્પાએ 4 ઓવરમાં 31 રન અને નેથન એલિસે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા પરંતુ આ બંનેમાંથી કોઈને સફળતા મળી ન હતી.
કાંગારૂ બેટ્સમેનો ‘લાચાર’
ઝિમ્બાબ્વે સામે 170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં માત્ર 146 રન બનાવી શકી હતી અને ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ એકલા હાથે લડત આપતા 44 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તેના સિવાય ગ્લેન મેક્સવેલે 31 રનનું યોગદાન આપ્યું હતું પરંતુ બાકીના મધ્યમ ક્રમના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. કેપ્ટન ટ્રેવિસ હેડ માત્ર 17 રન બનાવી શક્યો હતો, જ્યારે કેમેરોન ગ્રીન અને ટિમ ડેવિડ શૂન્ય પર આઉટ થયા હતા.
ઇવાન્સ અને મુઝારાબાની રહ્યા મેચના ‘હીરો’
ઝિમ્બાબ્વેની આ શાનદાર સ્થિતિ પાછળ તેમના બોલરોનું જબરદસ્ત યોગદાન રહ્યું હતું. બ્લેસિંગ મુઝારાબાનીએ દમદાર બોલિંગ કરી 4 ઓવરમાં 17 રન આપી 4 વિકેટ ખેરવી હતી. આ સિવાય બ્રેડ ઇવાન્સે તરખાટ મચાવતા માત્ર 3.3 ઓવરમાં 23 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. બીજા બોલરોમાં વેલિંગ્ટન મસાકાડઝા અને રયાન બર્લે 1-1 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઈન અપને વેરવિખેર કરી નાખ્યું હતું.
