LPG અને નેચરલ ગેસની અછતનો કાયમી તોડ! જિંદાલ સ્ટીલે કરી એવી શોધ કે આખું સ્ટીલ માર્કેટ ચોંકી ઉઠ્યું
LPG અને નેચરલ ગેસની અછત વચ્ચે જિંદાલ સ્ટીલે શોધી કાઢ્યો અનોખો રસ્તો. હવે 'સિન્થેસિસ ગેસ'થી બનશે સ્ટીલ, આયાતી કોલસા પરની નિર્ભરતા ઘટશે.

જ્યારે આખી દુનિયા ઈંધણની અછત અને વધતા ભાવથી પરેશાન છે, ત્યારે ભારતની દિગ્ગજ કંપની જિંદાલ સ્ટીલે (Jindal Steel) એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જે ઉદ્યોગ જગત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. કંપનીએ કુદરતી ગેસ અને LPG પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે ‘સિન્થેસિસ ગેસ’ (Singas) નો ઉપયોગ શરૂ કર્યો છે. સ્ટીલ ઉદ્યોગમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે.
શું છે આ ‘સિન્થેસિસ ગેસ’ અને તે કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે સ્ટીલ બનાવવા માટે ખૂબ જ ઊંચા તાપમાનની ભઠ્ઠીઓની જરૂર પડે છે, જેના માટે અત્યાર સુધી મોંઘા LPG અથવા નેચરલ ગેસનો ઉપયોગ થતો હતો. પરંતુ જિંદાલ સ્ટીલે હવે કોલસાના ગેસિફિકેશન દ્વારા તૈયાર થતા ‘સિનગેસ’નો ઉપયોગ શરૂ કર્યો છે. આ એક એવું સ્વચ્છ ઈંધણ છે જે જૈવિક કચરા અને કોલસામાંથી ઉર્જા પેદા કરે છે. આ પ્રયોગને કારણે ગેસ સપ્લાયમાં આવતા અવરોધો વચ્ચે પણ કંપનીનું ઉત્પાદન અટકશે નહીં.
આયાતી કોલસા અને ગેસની રજા!
જિંદાલ સ્ટીલના આ પગલાથી ભારતને બે મોટા ફાયદા થશે:
- કોકિંગ કોલસા પર ઓછી નિર્ભરતા: અત્યાર સુધી ભારતને સ્ટીલ ઉત્પાદન માટે વિદેશથી મોંઘો કોકિંગ કોલસો મંગાવવો પડતો હતો, જે હવે ઘટશે.
- વિદેશી મુદ્રાની બચત: સ્વદેશી કોલસામાંથી બનેલો આ ગેસ આયાતી એમોનિયા અને મિથેનોલનો વિકલ્પ બનશે, જેનાથી દેશના કરોડો રૂપિયાની બચત થશે.
પર્યાવરણ માટે પણ વરદાન
કંપનીના જણાવ્યા મુજબ, સિન્થેસિસ ગેસનો ઉપયોગ કરવાથી સ્ટીલના ઉત્પાદન દીઠ થતા કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થશે. એટલે કે, હવે સ્ટીલનું ઉત્પાદન વધુ ‘ગ્રીન’ અને પર્યાવરણને અનુકૂળ બનશે. ઓડિશાના અંગુલ પ્લાન્ટમાં આ ટેકનોલોજીનો સફળ અમલ કરવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે એક નવો રેકોર્ડ છે.
નિષ્ણાતો શું કહે છે?
જિંદાલ સ્ટીલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના જણાવ્યા મુજબ, ભારત પાસે કોલસાનો વિશાળ ભંડાર છે. જો આપણે આ રીતે ‘સિનગેસ’નો ઉપયોગ વધારીએ, તો ભવિષ્યમાં આપણે ગેસ કે તેલ માટે બીજા દેશો સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે.
શું આગામી સમયમાં અન્ય મોટી સ્ટીલ કંપનીઓ પણ જિંદાલ સ્ટીલના આ રસ્તે ચાલશે? આ પ્રયોગ સ્ટીલના ભાવમાં ઘટાડો લાવશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.
