સતત 14 બોલમાં ચોગ્ગા-છગ્ગા, પાવરપ્લેમાં જ 100 રનનો આંકડો પાર, T20 વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામેની 3 મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરતા વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની ઈનિંગ્સે બધાને ફેન બનાવી દીધા હતા.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને સ્કોટિશ ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી છે. આ સિરીઝની પહેલી જ મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ તોડ્યો છે. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પાવર પ્લેમાં જ એટલા રન બનાવ્યા કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો.
ટ્રેવિસ હેડ-મિશેલ માર્શની વિસ્ફોટક બેટિંગ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સ્કોટિશ ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ઓપનર જેક ફ્રેઝર મેકગર્ક T20 ડેબ્યૂમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં જ 113 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, T20 ક્રિકેટમાં પાવરપ્લેમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
સતત 14 બોલમાં ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાવરપ્લેમાં 102 રન ફટકાર્યા હતા. પરંતુ ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની ઈનિંગ્સે આ રેકોર્ડ તોડી નાખ્યો. મેચ દરમિયાન બંને ખેલાડીઓએ સાથે મળીને સતત 14 બોલમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. જે ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે.
Some serious hitting to equal Marcus Stoinis’ record for the fastest T20 international fifty by an Aussie man! pic.twitter.com/TCO1NgtfiB
— cricket.com.au (@cricketcomau) September 4, 2024
હેડ પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
ટ્રેવિસ હેડે આ મેચમાં 25 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન ટ્રેવિસ હેડે 320.00ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 12 ફોર અને 5 સિક્સર ફટકારી. આ સાથે જ તેણે પાવરપ્લેમાં કુલ 73 રન બનાવ્યા હતા. તે પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. અગાઉ વર્ષ 2020માં પોલ સ્ટર્લિંગે વેસ્ટ ઈન્ડિઝ સામે પાવરપ્લેમાં 63 રન બનાવ્યા હતા. પરંતુ તેનો આ રેકોર્ડ હવે તૂટી ગયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાની ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત, ઉતાવળમાં લેવાયો નિર્ણય, મોટું કારણ સામે આવ્યું