AUS vs AFG : આજની ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર વરસાદની સંભાવના, મેચ રદ્દ થાય તો કોણ રમશે સેમીફાઇનલ ? જાણો સંપૂર્ણ ગણિત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 28 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં મહત્વની મેચ થવાની છે. સેમિફાઇનલની ટિકિટ આ મેચ દ્વારા જ નક્કી થશે. પરંતુ મેચમાં વરસાદની સંભાવના છે અને મેચ રદ્દ પણ થઈ શકે છે. જો આવું થાય, તો તેના શું પરિણામો આવશે, ચાલો જાણીએ.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ Aમાંથી સેમિફાઈનલમાં જનારી બે ટીમની ટિકિટ પહેલાથી જ કન્ફર્મ થઈ ગઈ છે. પરંતુ મામલો હજુ પણ ગ્રુપ બીમાં અટવાયેલો છે. આ ગ્રૂપમાં આજે 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટની ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમાવા જઈ રહી છે, કારણ કે આજની મેચ બંને ટીમોના ભાવિનો નિર્ણય કરશે.
એક તરફ અફઘાનિસ્તાન પાસે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચવાની તક છે. તો બીજી બાજૂ કાંગારૂ ટીમ પણ આ મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશવા ઈચ્છશે. પરંતુ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં વરસાદની સંભાવના છે અને મેચ રદ થવાની પણ સંભાવના છે. જો આમ થશે તો કઈ ટીમ સેમીફાઈનલમાં રમશે ? ચાલો આંકડાકિય ગણિત સમજીએ.
જો મેચ રદ થાય તો શું થશે?
ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ બીમાં 2 મેચ રમી છે. આમાં તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ રીતે, કાંગારૂ ટીમે 3 પોઈન્ટ મેળવ્યા છે અને +0.475ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો આપણે અફઘાનિસ્તાનની વાત કરીએ તો તેણે પણ તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી મેચમાં અફઘાન ટીમે ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ રીતે, તેણી પાસે હાલમાં 2 પોઈન્ટ છે અને -0.990ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, ઈંગ્લેન્ડની ટીમ પહેલેથી જ બહાર છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ 2 મેચમાં 3 પોઈન્ટ અને +2.140ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. એટલે કે સેમીફાઈનલમાં જવા માટે અફઘાનિસ્તાન ટીમ માટે કોઈપણ ભોગે જીતવું જરૂરી છે. તો જ તે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને 4 પોઈન્ટ સાથે પાછળ છોડી શકશે.
પરંતુ જો મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. આ સાથે ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે જ્યારે અફઘાનિસ્તાન 3 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. કારણ કે જો સાઉથ આફ્રિકાની ટીમ તેની છેલ્લી મેચ હારે તો પણ તેના પોઈન્ટ અફઘાનિસ્તાનની બરાબર થઈ જશે. પરંતુ સારા નેટ રન રેટના કારણે તેને આગામી રાઉન્ડમાં પ્રવેશ મળશે.
મેચમાં વરસાદની સંભાવના કેટલી?
હવામાન વેબસાઇટ Accuweather અનુસાર, લાહોરમાં વરસાદની 71% સંભાવના છે. જો કે, બપોરે 2 વાગ્યાની આસપાસ, રમત શરૂ થાય તે પહેલા, વરસાદ પડવાની માત્ર 20% શક્યતા છે. અફઘાનિસ્તાનના ચાહકો પ્રાર્થના કરશે કે મેચના સમયે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે. જેથી તેની ટીમ પાસે મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની તક રહે. તમને જણાવી દઈએ કે અફઘાન ટીમ પાસે ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક છે. જો કે, અફઘાનિસ્તાને, ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ 2204માં એકવાર હરાવ્યું છે.