પાકિસ્તાનને 141 કરોડનું નુકસાન થશે ! એશિયા કપમાં આ કૃત્ય PCBને ભારે પડશે
ભારતીય ખેલાડીઓએ હાથ મિલાવવાનો ઈનકાર કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મેચ રેફરીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ બીજા જ દિવસે, PCBએ ICCને રેફરી વિશે ફરિયાદ કરી અને તેમને હટાવવાની માંગણી સાથે મેચની બહિષ્કારની ધમકી આપી પણ આપી. હવે જો પાકિસ્તાન આમ કરશે તો તેને 141 કરોડનું નુકસાન થશે. જાણો કેવી રીતે.

એશિયા કપ 2025માં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતાની જ જાળમાં ફસાઈ ગયું હોય તેવું લાગે છે. ભારત સામેની મેચમાં હાથ ન મિલાવવાના વિવાદ બાદ, પાકિસ્તાની બોર્ડે ICC માંથી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી હતી. આ સાથે PCBએ માંગણી પૂરી ન થાય તો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાની ટીમ ખરેખર એશિયા કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે? જો તે આમ કરે છે, તો તેને લગભગ 141 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
ખેલાડીઓએ હાથ ન મિલાવ્યા
14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં, ટોસ દરમિયાન અને મેચ પછી, બંને ટીમોના કેપ્ટન અને ખેલાડીઓએ હાથ મિલાવ્યા ન હતા. આ અંગે, પાકિસ્તાની ટીમે પહેલા મેચ રેફરી પાયક્રોફ્ટને ટીમ ઈન્ડિયા વિશે ફરિયાદ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પાકિસ્તાની બોર્ડે પાયક્રોફ્ટ વિશે સીધી ICCને ફરિયાદ કરી હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે પાયક્રોફ્ટે બંને કેપ્ટનોને ટોસ પહેલાં હાથ ન મિલાવવા કહ્યું હતું, જે ICC આચારસંહિતા હેઠળ રમતની ભાવનાનું ઉલ્લંઘન હતું.
પાકિસ્તાને બહિષ્કારની ધમકી આપી
અહેવાલો અનુસાર, PCBએ ICCને ફરિયાદ મોકલીને પાયક્રોફ્ટને તેની મેચોમાંથી દૂર કરવાની માંગ કરી હતી અને જો આમ કરવામાં નહીં આવે તો મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. મંગળવાર 16 સપ્ટેમ્બરના રોજ ICCએ તેની માંગણી ફગાવી દીધી હતી અને રેફરીને દૂર કરવાનો ઈનકાર કર્યો હતો. આનાથી એ પ્રશ્ન ઉભો થયો છે કે ICC સામે હાર્યા પછી, શું PCB મેચનો બહિષ્કાર કરવાના તેના નિર્ણય પર વળગી રહેશે? ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનનો આગામી મુકાબલો UAE સામે છે અને પાયક્રોફ્ટ તેમાં રેફરી છે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે, તો તે સુપર-4 માં પહોંચશે અને જો તે હારી જાય છે, તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
PCBને 141 કરોડ રૂપિયાનું નુકસાન
પરંતુ હારવા પર ટુર્નામેન્ટમાંથી બહાર થવું અને રમ્યા વિના બહિષ્કાર કરીને બહાર થવું એમાં ફરક છે અને આ તફાવત PCBની કમાણીને અસર કરી શકે છે. એક અહેવાલ મુજબ, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રસારણ કરાર હેઠળ પાકિસ્તાન આ એશિયા કપમાંથી 12 થી 16 મિલિયન ડોલર એટલે કે આશરે 141 કરોડ રૂપિયા કમાઈ શકે છે. પરંતુ જો વચ્ચે ટુર્નામેન્ટમાંથી ખસી જાય તો આ કમાણી તેની પાસેથી છીનવાઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો પાકિસ્તાની બોર્ડ આવો નિર્ણય લે છે તો ACCના અન્ય સભ્યો તેને સંપૂર્ણ હિસ્સો આપવાનો વિરોધ કરી શકે છે કારણ કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં તેની બધી મેચ રમશે નહીં.
પાકિસ્તાનની ખરાબ હાલત
એટલું જ નહીં, ટુર્નામેન્ટના પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ આવી સ્થિતિમાં સંમત કરાર મુજબ ACCને સંપૂર્ણ રકમ ચૂકવવાનો ઈનકાર કરી શકે છે, કારણ કે જો પાકિસ્તાની ટીમ મેચ નહીં રમે તો બ્રોડકાસ્ટરની કમાણી પર અસર પડશે. યાદ રાખો કે ACCના વર્તમાન અધ્યક્ષ PCBના વડા અને પાકિસ્તાન સરકારના મંત્રી મોહસીન નકવી છે. આવી સ્થિતિમાં, તેમના કાર્યકાળ દરમિયાન ACC અને PCBની કમાણી પર અસર તેમના માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.
આ પણ વાંચો: PAK vs UAE : ગુસ્સે ભરાયેલી પાકિસ્તાની ટીમે પ્રેસ કોન્ફરન્સ રદ કરી, ICCના નિર્ણય પછી ચોંકાવનારો ફેંસલો
