અર્શદીપ સિંહે એકલા હાથે અડધી ટીમનો નાશ કર્યો, સૂર્યકુમાર યાદવ-શ્રેયસ અય્યરે કર્યું આત્મસમર્પણ
મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી વિજય હજારે ટ્રોફીની મેચમાં અર્શદીપ સિંહે તબાહી મચાવી હતી. તેણે આ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. અર્શદીપે સૂર્યકુમાર યાદવને ખાતું પણ ખોલવા દીધું ન હતું.
ટીમ ઈન્ડિયા માટે T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર અર્શદીપ સિંહ હાલમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં જોવા મળી રહ્યો છે. પંજાબ તરફથી રમતા તેણે પાંચ વિકેટ ઝડપી હતી અને અડધી મુંબઈની ટીમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયાના ત્રણ સિનિયર ખેલાડીઓને શિકાર બનાવ્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
‘સૂર્યા’ અર્શદીપ સામે લાચાર, 0 પર થયો આઉટ
મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી વિજય હજારે ટ્રોફીની મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની જીતનો હીરો અર્શદીપ સિંહ રહ્યો હતો. તેણે પોતાના 10 ઓવરના સ્પેલમાં માત્ર 38 રન જ આપ્યા હતા. એટલું જ નહીં, અર્શદીપે મેડન ઓવર પણ નાખી અને પાંચ વિકેટ પણ લીધી. સૂર્યકુમાર તેની સામે સાવ અસહાય દેખાતો હતો. તે પાંચ બોલમાં કોઈ રન બનાવી શક્યો ન હતો અને અર્શદીપના બોલ પર રમનદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો.
– Wicket of Shreyas. – Wicket of Surya. – Wicket of Dube. – Wicket of Raghuvanshi. – Wicket of Ayush Mhatre.
ARSHDEEP SINGH HAS TAKEN FIVE-WICKET HAUL IN JUST 41 BALLS AGAINST MUMBAI IN VIJAY HAZARE TROPHY pic.twitter.com/qmv9ziEmKP
— Johns. (@CricCrazyJohns) December 28, 2024
અય્યર-શિવમની પણ હાલત થઈ ખરાબ
સૂર્યકુમાર સિવાય શિવમ દુબે અને શ્રેયસ અય્યર જેવા સ્ટાર ખેલાડીઓ પણ અર્શદીપની સામે કંઈ ખાસ કરી શક્યા નહીં. બંને 17-17 રનના અંગત સ્કોર પર અર્શદીપ સિંહના બોલ પર આઉટ થયા હતા. અર્શદીપે મુંબઈના કેપ્ટન અય્યરને બોલ્ડ કર્યો હતો. જ્યારે શિવમ દુબેએ નમન ધીરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ સિવાય અર્શદીપે ઓપનર અંગક્રિશ રઘુવંશીને એક રન અને આયુષ મ્હાત્રેને 7 રન પર આઉટ કર્યા હતા.
પ્રભસિમરન સિંહે 150 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. અથર્વ અંકોલેકરના 66 રન અને સૂર્યાંશ શેજના 44 રનની મદદથી મુંબઈ 49મી ઓવરના છેલ્લા બોલે 248 રનમાં સમેટાઈ ગયું હતું. અર્શદીપ ઉપરાંત પંજાબના કેપ્ટન અભિષેક શર્માએ બે વિકેટ ઝડપી હતી. સનવીર સિંહ, રઘુ શર્મા અને પ્રીત દત્તાને એક-એક સફળતા મળી. પંજાબે મુંબઈ દ્વારા આપવામાં આવેલ 249 રનનો ટાર્ગેટ 29 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઓપનર પ્રભસિમરન સિંહે 101 બોલમાં 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે અભિષેક શર્માએ 54 બોલમાં 66 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: IND vs AUS : એક પિતા જેણે પોતાના બાળકને ‘ફ્લાવરથી ફાયર’ બનાવ્યો, ઓસ્ટ્રેલિયામાં ‘રેડ્ડી રાજ’