IND vs AUS : એક પિતા જેણે પોતાના બાળકને ‘ફ્લાવરથી ફાયર’ બનાવ્યો, ઓસ્ટ્રેલિયામાં ‘રેડ્ડી રાજ’
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નીતિશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયાની નવી શોધ સાબિત થયા છે. તેણે કહ્યું છે કે તે લાંબી રેસનો ઘોડો છે. પરંતુ નીતિશ કુમાર રેડ્ડીની સફળતામાં તેમના પિતા મુત્યાલા રેડ્ડીનો પણ મોટો ફાળો છે. મુત્યાલા રેડ્ડીની મહેનત અને બલિદાનને કારણે જ નીતિશ આ દિવસો જોઈ શક્યા છે.

'પુષ્પા નામ સૂનકે ફ્લાવર સમજે ક્યા, ફ્લાવર નહીં ફાયર હે મેં'… અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા રાજનો આ ડાયલોગ ટીમ ઈન્ડિયાના નવા સુપરસ્ટાર પર એકદમ ફિટ બેસે છે. અમે વાત કરી રહ્યા છીએ નીતિશ રેડ્ડીની, જેણે ઓસ્ટ્રેલિયામાં 'રેડ્ડી રાજ' સ્થાપિત કર્યું છે.

નીતિશ રેડ્ડીએ મેલબોર્નના મેદાન પર રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી. સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો તેની સદીને વધાવી રહ્યા હતા. પરંતુ આ હજારો ચાહકોમાં એક વ્યક્તિ એવી હતી જે હસતી પણ હતી અને રડતી પણ હતી. આ એ જ વ્યક્તિ હતા જેમણે નીતીશ રેડ્ડીને ફ્લાવરથી ફાયર બનાવ્યો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નીતિશના પિતા મુત્યાલા રેડ્ડી હતા.

જ્યારે 21 વર્ષના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે અનુભવ વગરના આ ખેલાડીને ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો અને ઘણા દિગ્ગજોએ પણ આ ખેલાડીની જગ્યા પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ વિરાટ કોહલી અને રિષભ પંત જેવા બેટ્સમેનોને રોકવાની યોજના બનાવી હશે. પરંતુ નીતિશ રેડ્ડી સરપ્રાઈઝ પેકેજ સાબિત થયો.

ટીમ ઈન્ડિયા સુધી પહોંચવાની નીતિશ રેડ્ડીની સફર જરા પણ આસાન રહી નથી. નીતિશ રેડ્ડીને અહીં સુધી પહોંચવા માટે તેના પિતા મુત્યાલા રેડ્ડીએ પણ સખત મહેનત અને બલિદાન આપ્યા હતા. નીતિશ રેડ્ડીએ નાની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. નીતિશને ક્રિકેટર બનાવવા માટે તેના પિતા મુત્યાલા રેડ્ડીએ એક મોટું બલિદાન આપ્યું હતું અને તેમની સરકારી નોકરી છોડી દીધી હતી.

નીતિશ જ્યારે 12 વર્ષનો હતો, ત્યારે તેના પિતા હિન્દુસ્તાન ઝિંકમાં કર્મચારી હતા. તેમની બદલી વિશાખાપટ્ટનમથી રાજસ્થાનના ઉદયપુર કરવામાં આવી હતી. પરંતુ મુત્યાલા રેડ્ડીએ નોકરી છોડીને નીતિશને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. મુત્યાલા રેડ્ડીએ વહેલા નિવૃત્ત થવાનો નિર્ણય લીધો ત્યારે તેમની સેવાના 25 વર્ષ બાકી હતા.

સરકારી નોકરી છોડ્યા બાદ મુત્યાલાને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે હાર માની નહીં. હકીકતમાં, તેમના પુત્રને સતત કોચિંગ સેશન અને કેમ્પ માટે અહીં-ત્યાં લઈ જવાને કારણે તેમની પાસે બીજી નોકરી કરવા અથવા તેમના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખૂબ જ ઓછો સમય બચ્યો હતો. આવી સ્થિતિમાં તેઓ નિવૃત્તિ ફંડમાંથી મળતા વ્યાજ પર જ પોતાનું ઘર ચલાવતા હતા. જેને લઈને સગા-સંબંધીઓ દ્વારા ઘણી ટીકા થઈ હતી. પરંતુ આ પિતા-પુત્રની જોડીએ ક્યારેય હાર ન માની. આટલું જ નહીં, તેની માતા મનસા પણ હંમેશા નીતિશની પડખે ઊભી રહી હતી.

નીતિશ રેડ્ડીએ મેલબોર્નમાં 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. નીતિશ કુમાર રેડ્ડી હજુ પણ 105 રન બનાવીને અણનમ છે અને ચોથા દિવસે પોતાનો સ્કોરને આગળ લઈ જશે. મેલબોર્નમાં પોતાના પુત્રને સદી ફટકારતા જોઈને મુત્યાલા રેડ્ડી પોતાની જાત પર કાબૂ રાખી શક્યા નહીં. આ દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક દેખાઈ થઈ ગયા હતા અને મેદાન પર જ રડવા લાગ્યા હતા. તેઓ પોતાના પુત્રની સદીની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ તેમની આંખો ભીની હતી. છેવટે, એક પિતા માટે આનાથી મોટી ગર્વની ક્ષણ કઈ હોઈ શકે કે તેમનો પુત્ર માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાવી રહ્યો છે.

નીતિશ રેડ્ડી ઓસ્ટ્રેલિયા માટે એવી સમસ્યા બની ગયો છે કે કાંગારૂ ટીમ હજુ સુધી તેનો ઉકેલ શોધી શકી નથી. નીતિશ રેડ્ડી હવે આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી તેણે 71ની એવરેજથી 284 રન બનાવ્યા છે. હવે આ શ્રેણીમાં ફક્ત ટ્રેવિસ હેડ તેના કરતા આગળ છે. નીતીશ કુમાર રેડ્ડી તેનો આ સિલસિલો ચાલુ રાખવા માંગશે, જેથી તે આ પ્રવાસને વધુ યાદગાર બનાવી શકે. (All Photo Credit : X / GETTY / INSTAGRAM)
