
લક્ષદ્વીપના પ્રશાસકનો પણ હવાલો સંભાળતા પ્રફુલ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાતના કાર્યક્રમ બાદ યુવાનોનું પ્રોત્સાહન વધારવા લક્ષદ્વીપથી દીવ સીધા પહોંચ્યા હતા.

દીવમાં એક સપ્તાહ સુધી ચાલનારા બીચ ગેમ્સ 2024માં 20 રાજ્યના ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે. જેમાં 1200 થી વધારે રમતવીરો અલગ અલગ રમતમાં ભાગ લઈ રહ્યા છે.

સુંદર દરિયા કિનારા પર બીચ બોક્સિંગ, બીચ વૉલીબૉલ, ટગ ઓફ વૉર, બીચ કબડ્ડી, સ્વિમીંગ, મલખામ્બ અને ફુટબોલ સહિતના અલગ અલગ 8 રમતો રમાનાર છે.

અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે, દીવ પ્રથમ વખત બીચ ગેમ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. જે રમતગમતના ક્ષેત્રમાં એક અલગ ક્રાંતિ લાવશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસ્કૃતિ અને પર્યટનને વધારશે.

કુદરતી સૌંદર્યનો ખજાનો ધરાવતા દીવને આધુનિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે સ્વચ્છતા થી લઈને પ્રવાસીઓની સુવિધાઓને લઈ અનેક મહત્વના વિકાસ કાર્ય પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.