
ઘણા ફેશન અને સેલ્ફ ઇમેજ નિષ્ણાતો માને છે કે હાઈ હીલ્સ પહેરવાથી શક્તિશાળી વ્યક્તિત્વની છાપ પડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈ હીલ્સ પહેરતી મહિલાઓ વધુ આત્મવિશ્વાસુ, આકર્ષક અને પ્રભાવશાળી માનવામાં આવે છે પણ તેનાથી પગ પર વધુ દબાણ આવે છે અને પગથી લઈને કરોડરજ્જુ સુધી દુખાવાનું કારણ બની શકે છે.

નિષ્ણાંતના જણાવ્યા મુજબ જ્યારે આપણે આપણને ગમતી વસ્તુ પહેરીએ છીએ, ત્યારે આપણું મગજ તેને 'પોઝિટિવ સ્ટિમ્યુલસ' તરીકે ઓળખે છે અને ડોપામાઈન છોડે છે જેનાથી આત્મવિશ્વાસ વધે છે. પરંતુ જો હાઈ હીલ્સ પહેરવાથી લાંબા સમય સુધી અસ્વસ્થતા અનુભવાય છે, તો તે મનમાં નકારાત્મક સંકેતો મોકલવાનું શરૂ કરે છે જે થાક, સ્ટ્રેસ અને મૂડ ખરાબ થવાનું પણ કારણ બને છે.

જો તમે હીલ પહેરવાના શોખીન છો તો આ ટિપ્સ ફોલો કરો : યોગ્ય હીલ પસંદ કરો. હંમેશા પહોળી અને ટૂંકી હીલ પહેરો, જે સંતુલન જાળવી રાખે છે. હીલ્સમાં સમય મર્યાદિત કરો. આખો દિવસ પહેરવાને બદલે ખાસ પ્રસંગોએ જ હાઈ હીલ્સ પહેરો. તેમજ હીલ્સ અવાર-નવાર પહેરવાની જરુર પડે છે તો પગની કસરત કરો. પગ અને પીઠ માટે સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ કરો.