
2022માં લખનૌ સુપર જાયન્ટ્સની ડેબ્યૂ સિઝનથી રાહુલ ટીમનો કેપ્ટન હતો. આ દરમિયાન લખનૌ ટીમે પ્રથમ અને બીજી સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ છેલ્લી સિઝનમાં તેમ કરી શક્યું ન હતું. જો કે આ ગત સિઝનમાં રાહુલની કેપ્ટનશિપ અને ખાસ કરીને તેની ધીમી બેટિંગ ટીકાના કેન્દ્રમાં રહી હતી.

છેલ્લી સિઝનમાં જ ટીમની કારમી હાર બાદ ફ્રેન્ચાઈઝીના માલિક ગોએન્કાએ ખુલ્લા મેદાનમાં રાહુલને ઠપકો આપ્યો હતો, જેના પછી તેમના અલગ થવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે ઓગસ્ટમાં જ ગોએન્કા અને રાહુલની કોલકાતામાં મુલાકાત થઈ હતી.

આ બધા સિવાય, એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને નવા મેન્ટર ઝહીર ખાને હાલમાં જ રાહુલના પ્રદર્શન પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં તેની ધીમી બેટિંગની ટીમના પ્રદર્શન પર ઘણી મેચોમાં અસર જોવા મળી હતી. આ રિપોર્ટના આધારે રાહુલને ફ્રેન્ચાઈઝીમાંથી મુક્ત કરવાની વાતો સામે આવી રહી છે. છેલ્લી બે સિઝનના પ્રદર્શનને જોતા એ સ્પષ્ટ છે કે લખનૌનો પ્રથમ રિટેન્શન વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર નિકોલસ પૂરન હશે. રિટેન્શન જાહેર કરવાની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે. (All Photo Credit : PTI / AFP)
Published On - 9:44 pm, Thu, 24 October 24