
શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા, વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહીં, લેબર કોન્ટ્રાક્ટર્સ અહી આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી - મેળવી શકે છે, સાથે-સાથે શ્રમિકોને તેમનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે.

મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું 99મું અને રાજ્યનું 291 મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.

શ્રમિકોને રાહત દરે ભોજન, ચા, અને હવે રિફ્રેશમેન્ટ, આરામ કરવા અને એકઠા થવા માટેનું સુવિધાજનક સ્થળ મળતા રાજ્યમાં શ્રમને સન્માન આપવાની પરિપાટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વધુ સુદ્રઢ થઈ છે.

રાજ્યભરમાં હજુ વધુ 99 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

કડિયાનાકે જાહેર માર્ગ પર ઉભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે.