
ગણેશજીની મૂર્તિ બનાવવા માટે જે માટી વપરાય છે તે માટે મોટેભાગે સમગ્ર ગુજરાતમાં ભાવનગરમાંથી મંગાવવામાં આવે છે. આ માટે આ માટીને સળંગ ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. જેથી તે મૂર્તિ બનાવવા લાયક થઈ જાય છે.

ત્રણ દિવસ બાદ કારીગરો દ્વારા આ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે. આ મૂર્તિ ઘણીવાર હાથથી અથવા તો મોલ્ડ દ્વારા પણ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદમાં આ મૂર્તિ 6 ઇંચ થી લઈને 15 ફૂટ સુધીની ઊંચાઈની બનાવવામાં આવે છે.

માટીની મૂર્તિ તૈયાર થઈ ગયા બાદ કારીગરો દ્વારા તેને કલર કરવામાં આવે છે. ઘણા લોકોને કલર પસંદ ન પડતા તેઓ આભૂષણો દ્વારા અને કપડાંથી મૂર્તિઓને શણગાર કરીને તૈયાર કરે છે. જેમ કે ગણપતિને મુગટ, બાજુબંધ, ધોતી, જ્વેલેરી વગેરે આભૂષણો પહેરાવવામાં આવે છે.

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિઓની કિંમત તેમાં વપરાતી માટી અને તેના આકાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આશરે 1000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.