રાણપુરનું સ્ટેશન અને સ્મશાને સત્યાગ્રહ, મેઘાણીનો સિંધુડો અને સંઘની વિજયાદશમી
સૌરાષ્ટ્રમાં ત્યારે બે મોટાં મથકો, વઢવાણ અને રાણપુર (Ranpur). ત્યાં સત્યાગ્રહીઓ એકત્રિત થાય અને જુદી જુદી જગ્યાએ નમક સત્યાગ્રહ કરે. ભારે આકરો હતો તે સત્યાગ્રહ.
હમણાં પૂર્ણાબહેન શેઠને મળવાનું થયું. મને ઈતિહાસ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલાં પાત્રોને મળવું ગમે છે. તેઓ પોતે નહિ તો તેમના પૂર્વજો અલગ પ્રકારે જિંદગી જીવી ગયા હતા, તેની કલ્પના કરવી પણ આજે મુશ્કેલ છે. પુર્ણાબહેન એટલે અમૃતલાલ શેઠના પુત્રવધૂ. અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીનું (Jhaverchand Meghani) નામ લેતાં “સૌરાષ્ટ્ર” સાપ્તાહિકનું સ્મરણ થાય અને આ આઝાદી જંગનું તેજસ્વી અખબાર પ્રકાશિત થતું રાણપુરમાં.
હમણાં આ અજાણ રહી ગયેલા લડાયક તંત્રી-પત્રકારનું એક નાનકડું જીવન ચરિત્ર ભૂપેન્દ્ર દવેએ લખ્યું છે. તેમના પિતા માતા બંને સત્યાગ્રહી હતા અને એક કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી એટલે આઝાદી પછી સૌરાષ્ટ્રમાં કાર્ટૂનિસ્ટ “શનિ”. જેનું સાપ્તાહિક “ચેત મછંદર” હતું, તત્કાલિન સૌરાષ્ટ્રમાં રાજ્યસત્તાના વિરોધ પક્ષની ભૂમિકા ભજવતું. આ શનિ અદ્દભુત કાર્ટૂનિસ્ટ પણ હતા, ઝાલાવાડ (હવે સુરેન્દ્રનગર) જિલ્લાના ગામડાઓ, નગરોના પાદરે સામે શ્રોતાઓ હોય અને પોતે બ્લેક બોર્ડ પર કાર્ટૂનની કળા અજમાવે. તેના સાપ્તાહિકમાં “હાઇલ ઘોડી, હામે પાર” કાર્ટૂન કથાના બે પાત્રો-આપો અને મેપો- લોકજબાન પર રહેતા.
સૌરાષ્ટ્ર અખબારની સાથોસાથ 1930ની ગાંધીજીની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહની યાદગીરી પડી છે. અમૃતલાલ શેઠ ધંધુકા-રાણપુર સત્યાગ્રહનું નેતૃત્વ લીધું હતું. સૌરાષ્ટ્રમાં ત્યારે બે મોટા મથકો, વઢવાણ અને રાણપુર. ત્યાં સત્યાગ્રહીઓ એકત્રિત થાય અને જુદી જુદી જગ્યાએ નમક સત્યાગ્રહ કરે. ભારે આકરો હતો તે સત્યાગ્રહ. આજના સત્યાગ્રહોથી અંદાજ ના આવે. રાણપુર રેલવે સ્ટેશને તેમને વેરવિખેર કરવા બ્રિટિશ પોલીસ ઘોડા દોડાવતી. ભૂપેન્દ્ર દવેએ વડાપ્રધાનને લખ્યું છે કે ગુજરાતમાં આ એક જ એવું સ્ટેશન છે જ્યાં ઘોડા દોડાવીને સત્યાગ્રહીઓને ઘાયલ કર્યા હોય, ત્યાં કોઈ સ્મારક બનવું જોઈએ જેવુ અડાસ રેલ્વે સ્ટેશન પર છે.
બીજી વિશેષતા એ રહી કે રાણપુર ગામથી દૂર સ્મશાન છાપરી હતી, ત્યાં સત્યાગ્રહ છાવણી ઊભી કરવામાં આવી! રાણપુરની મહિલાઓ ઘરેથી રસોઈ કરીને સ્મશાને ગીતો ગાતા સત્યાગ્રહીઓને હોંશથી જમાડે. રતુભાઈ અદાણીના હસ્તાક્ષરો સારા એટલે દીવાલો પર “સત્યાગ્રહ છાવણી” મોટા અક્ષરે ડામરથી આલેખે. મેઘાણીના પ્રતિબંધિત કાવ્યો “સિંધુડો” ની હસ્તલિખિત પ્રતો રતુભાઈ અને વજુભાઈ શાહના મરોડદાર અક્ષરોમાં લખાઈ અને સાયક્લોસ્ટાઈલ સ્વરૂપે વિતરિત થઈ હતી. મેઘાણીને તો મનુભાઈ જોધાણીને બદલે પકડીને આરોપ મુકાયો કે તેમણે ઉશ્કેરણી કરતું ભાષણ બરવાળામાં કર્યું હતું, તેમાં બે વર્ષની સજા થઈ અને ન્યાયાધીશને પણ રડાવતું ગીત કોર્ટના પિંજરમાં રહીને ગાયું હતું.
આ પણ વાંચો: વિષ્ણુ પંડ્યાના એકસો એકાવન પુસ્તકોના પ્રકાશનથી સાહિત્ય, ઈતિહાસ અને પત્રકારત્વમાં સમૃદ્ધ ઉમેરણ
એક રસપ્રદ ઘટના એ પણ છે કે 1930ની આસપાસ બોટાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ચાલતી. ત્યારે મેઘાણી બોટાદમાં રહેવા આવી ગયા હતા. શાખાના તરુણ સ્વયંસેવકોની ઈચ્છા એવી કે વિજયા દશમી ઉત્સવમાં મેઘાણીભાઈ આવે તો કેવું સારું? પછીથી અમદાવાદમા શાળાના આચાર્ય બનેલા અને સાવધાન તેમજ સાધના સાપ્તાહિક સાથે જોડાયેલા રમણભાઈ શાહ ભાવનગર જિલ્લાના સંઘ-વિસ્તારક હતા. સંકોચ સાથે ગયા, મેઘાણીએ હા પાડી આવ્યા, ઉદ્દબોધન કર્યું અને સોનલ ગરાસણી ગીત ગાઈને સૌને રાજીરાજી કરી દીધા!
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)