લાલ કિલ્લા ખાતે આગળની હરોળમાં ફાળવેલી બેઠક છોડીને છેલ્લે કેમ બેઠા રાહુલ ગાંધી ?
લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લે આરક્ષિત ના હોય તેવી સામાન્ય લોકો માટેની જગ્યામાં બેઠેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસના સાંસદે આવું કેમ કર્યું તેના પર સંરક્ષણ મંત્રાલયનું નિવેદન આવ્યું છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. રાહુલ અહીં અગ્રીમ હરોળમાં ફાળવેલી બેઠક છોડીને સામાન્ય લોકો સાથે બેઠેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસના સાંસદે આવું કેમ કર્યું તેના પર સંરક્ષણ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગળની બેઠકોમાં રાહુલ માટે સીટ આરક્ષિત હતી, પરંતુ તેમણે પોતાની મરજીથી પાછળ બેસવાનું નક્કી કર્યું.
સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા દિવસના અવસર પર વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી માટે આગળની હરોળમાં સીટ આરક્ષિત હતી, પરંતુ તેમણે પોતાની મરજીથી આગળને બદલે પાછળની હરોળમાં બેસવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીએ ત્યાં વ્યવસ્થા કરી રહેલા સ્ટાફને પણ કહ્યું કે, તેઓ સામાન્ય લોકોની વચ્ચે બેસવા માંગે છે. હું અહીં હાજર રહેલા તમામ નેતાઓ સાથે ગૃહમાં પણ બેઠો છું.
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓ પણ રાહુલ જ્યાં બેઠા હતા તે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ અને કેપ્ટન હરમનપ્રીત સિંહ રાહુલની આગળની હરોળમાં બેઠા હતા. પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકર પણ તસવીરમાં રાહુલની હરોળમાં સાથે બેઠેલા જોઈ શકાય છે.
10 વર્ષ બાદ વિપક્ષના નેતાએ લાલ કિલ્લા ખાતે ભાગ લીધો
લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત સમારોહમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિ સાથે વિપક્ષનો 10 વર્ષનો દુષ્કાળ પણ ખતમ થઈ ગયો. 2014 પછી પહેલીવાર રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત સમારોહમાં હાજર રહ્યાં હતા.
2014 અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ ખાલી રહ્યું હતું, કારણ કે કોંગ્રેસ સહીતના તમામ રાજકિય પક્ષો, વિપક્ષના નેતાનું બંધારણીય પદ મેળવવા માટે માટે જરૂરી સંસદસભ્યોની સંખ્યા જેટલી પણ બેઠકો મેળવી શક્યા ન હતા. જેના કારણે 2014 અને 2019ની ચૂંટણી બાદની ટર્મમાં વિપક્ષના કોઈ નેતા નહોતા.
જો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વધુ સારા પ્રદર્શન સાથે સંસદના નીચલા ગૃહમાં કોંગ્રેસની બેઠકો 52 થી વધીને 99 થઈ ગઈ છે. આ પ્રદર્શન બાદ 25 જૂને રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી
રાહુલ ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું, તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. અમારા માટે, સ્વતંત્રતા માત્ર એક શબ્દ નથી – તે બંધારણીય અને લોકશાહી મૂલ્યોમાં જડિત આપણું સૌથી મોટું સુરક્ષા કવચ છે. આ છે અભિવ્યક્તિની શક્તિ, સત્ય બોલવાની ક્ષમતા અને સપના પૂરા કરવાની આશા. જય હિન્દ.
દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી
દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને આ અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે વિવિધ મુદ્દાઓને આવરી લેતા દેશને સંબોધન કર્યું હતું. ખાસ કરીને બાંગ્લાદેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને હિંદુઓ પરના હુમલાઓ પર નિવેદન આપ્યું હતું. બાંગ્લાદેશને લઈને પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે પાડોશી દેશમાં સ્થિતિ જલદી સામાન્ય થઈ જશે.