આ રાજ્ય સરકાર, મંદિરમાં દાનમાં અપાયેલા સોનામાંથી કરે છે કમાણી
રાજ્ય સરકારે કહ્યું છે કે 21 મંદિરોમાં લગભગ 1,074 કિલો સોનું ખાલી પડ્યું હતું, જેનો મંદિર વહીવટીતંત્ર ઉપયોગ કરી રહ્યું ન હતું. સરકારે તેને રોકાણ યોજના હેઠળ ઓગાળીને સ્ટેટ બેંકમાં જમા કરાવ્યું. જેના કારણે આ મંદિરોમાં હવે સારુ એવુ વ્યાજ મળી રહ્યું છે.

તમિલનાડુમાં મંદિરોની આવકનો એક નવો સ્ત્રોત મળ્યો છે. તમિલનાડુ સરકારે, મંદિરોમાં દાનમાં અપાયેલા પરંતુ ઉપયોગમાં ન લેવાતા સોનાના આભૂષણો અને અન્ય વસ્તુઓમાંથી કરોડો રૂપિયા કમાવવાની વ્યવસ્થા કરી છે. 21 મંદિરોમાંથી લગભગ 1000 કિલો સોનાને પીગળીને 24 કેરેટ સોનાની લગડી બનાવવામાં આવી હતી.
આ રકમ એક યોજના (ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ) હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે જમા કરાયેલા સોના પર લગભગ 18 કરોડ રૂપિયાનું વ્યાજ મળી રહ્યું છે. આ સોનું મુંબઈના એક ટંકશાળમાં ઓગાળવામાં આવ્યું હતું. જ્યાં સુધી વ્યાજમાંથી કમાયેલા પૈસાના ઉપયોગની વાત છે, તેનો ઉપયોગ મંદિરોના સંચાલનને સુધારવા અને વિકસાવવા માટે થઈ રહ્યો છે.
મોટાભાગનું સોનું ક્યાંથી આવ્યું?
આ માહિતી તમિલનાડુ વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવી હતી. હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ બાબતોના મંત્રી પીકે શેખર બાબુએ વિધાનસભામાં આ સંપૂર્ણ માહિતી આપી. તમિલનાડુ સરકારે જણાવ્યું હતું કે 21 મંદિરોમાં લગભગ 1,074 કિલો સોનું ખાલી પડ્યું હતું, જેનો મંદિર વહીવટીતંત્ર દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો. સરકારે આમાંથી થોડી આવક ઊભી કરવાનો પ્રયાસ કર્યો.
આ કાર્યમાં સૌથી મોટો ફાળો તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલા અરુલમિઘુ મરિયમ્મન મંદિરનો હતો. આ રોકાણ યોજના હેઠળ એકલા મરિયમ્મન મંદિરે લગભગ 424 કિલો સોનું દાન કર્યું હતું. આ યોજનાનો યોગ્ય રીતે અમલ થાય તે માટે, રાજ્ય સરકારે આ બાબતે ત્રણ પ્રાદેશિક સમિતિઓની રચના પણ કરી. દરેક સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ હોય છે.
હવે ચાંદી ઓગાળવાની તૈયારીઓ
આ બધી સમિતિઓ સોનાના રોકાણ સંબંધિત પ્રક્રિયાની તપાસ અને દેખરેખ માટે જવાબદાર છે. આ યોજના ઘણા સમયથી અનિર્ણાયક સ્થિતિમાં પડી હતી. પરંતુ પછી 2021-2022 માં રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા પછી, આ દિશામાં કામ આગળ વધ્યું. સોના બાદ હવે સરકારે મંદિરોમાં ન વપરાયેલી ચાંદીને ઓગાળવાની મંજૂરી આપી દીધી છે.
શક્ય છે કે જો આ યોજના પણ અમલમાં મુકાય તો સરકાર મંદિરોની આવક માટે બીજી વ્યવસ્થા કરશે. સરકાર દ્વારા માન્ય ખાનગી કંપનીઓમાં ચાંદી ઓગાળીને તેમાંથી સોનાની જેમ જ લગડી બનાવવા માંગે છે. આ સમગ્ર પ્રક્રિયા મંદિરોમાં તે જ સ્થળોએ થશે જ્યાં ચાંદી રાખવામાં આવે છે. આ પણ ફક્ત ત્રણ ન્યાયાધીશોની દેખરેખ હેઠળ થશે.
તમિલનાડુ સહીતના દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.