ગુજરાત હાઇકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે આ અંગેની સુનાવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીને ગુરૂવારે હાઇકોર્ટે કહ્યું કે માહિતીના અધિકારનો કાયદાનો ઉપયોગ કોઈની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે કરી શકાય નહીં. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ અરજી કરીને આરટીઆઇના કાયદા હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઉપલબ્ધ કરાવવાનો આદેશ રદ કરવાની વિનંતી કરી હતી.
કેન્દ્રીય સૂચના પંચના સાત વર્ષ જૂના આદેશનું પાલન ન કરવા માટે આરટીઆઇ અધિનિયમ હેઠળ આપવામાં આવેલા અપવાદોનુ ઉદાહરણ આપીને યુનિવર્સિટી તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કોઈ વ્યક્તિ સાર્વજનિક પદ ઉપક છે તેથી કોઈ તેમની આવી અંગત જાણકારી માંગી શકે નહીં. જે તેમની સાર્વજનિક જીવન -ગતિવિધીથી સંબંધિત નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે પ્રધાનમંત્રીની ડિગ્રી વિશેની જાણકારી પહેલેથી જ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે અને યુનિવર્સિટીએ પહેલા પણ પોતાની વેબસાઇટ ઉપર વિવરણ પણ રજૂ કર્યું હતું. આરટીઆઇનો ઉપયોગ વિરોધીઓ સામે હુમલા કરવામાં માટે કરવામાં આવે છે. જોકે કેજરીવાલ તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું કે પ્રધાનમંત્રીની ડિગ્રી સાર્વજનિક રીતે ઉપલબધ નથી, જે રીતે સોલિસિટર જનરલ તુષાર મહેતા દાવો કરી રહ્યા છે તેવી કોઈ માહિતી નથી.
અરવિંદ કેજરીવાલના વકીલે પોતાની દલીલમાં ફેડરલ બ્યૂરો ઓફ ઇનવેસ્ટિગેશન દ્વારા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને હાલમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના આવાસની તપાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે આ અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2016માં ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રીય સૂચના પંચના આદેશ ઉપર રોક લગાવી હતી. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીએ પ્રધાનમંત્રી મોદીની ડિગ્રીની જાણકારી દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને આપવાનો આદેશ કર્યો હતો. એપ્રિલ 2016માં તત્કાલિન સીઆઇસીએ દિલ્લી વિશ્વવિદ્યાલય અને ગુજરાત યુનિવર્સિટી બંનેને નિર્દેશ કર્યો હતો કે તે મોદીની ડિગ્રી વિશે કેજરીવાલને માહિતી આપે.