પૂર્વોત્તરના રાજ્યોમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, મણિપુર, સિક્કિમ, આસામમાં જળપ્રલયની સ્થિતિ- જુઓ Video
દેશના પૂર્વોતર ભાગમાં ચોમાસાના આગમનથી ભારે તબાહી મચી ગઈ છે. બે દિવસમાં 32 લોકોના મોત થયા છે. આસામમાં 16, અરુણાચલ પ્રદેશમાં 9, મિઝોરમમાં 4 અને મેઘાલયમાં 3 લોકોના મોત થયા છે.

આસામમાં થયેલા આ બધા મૃત્યુ ભૂસ્ખલન અને પૂરને કારણે થયા છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લામાં હાઇવે 13 પર ભૂસ્ખલનનો ભોગ બનેલી એક કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં બે પરિવારના સાત લોકોના મોત થયા હતા. બીજી એક ઘટનામાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મિઝોરમના સેરછીપમાં 13 મકાનો ધરાશાયી થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઉત્તર સિક્કિમમાં લગભગ 1500 પ્રવાસીઓ ફસાયેલા છે. મણિપુરમાં છેલ્લા 48 કલાકમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે.
સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સિક્કિમનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. આ કારણે, શનિવારે ઉત્તર સિક્કિમના વિવિધ ભાગોમાં લગભગ 1,500 પ્રવાસીઓ ફસાયા હતા. બીજી તરફ, ભારે વરસાદને કારણે 8 ગુમ થયેલા પ્રવાસીઓની શોધમાં અવરોધ ઉભો થયો હતો અને અધિકારીઓએ જણાવ્યું કે, તિસ્તા નદીમાં પાણીનું સ્તર વધી જતાં શોધ કામગીરી બંધ કરવી પડી છે. તિસ્તા નદીનો એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ડરામણો લાગી રહ્યો છે.
ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ‘ઓપરેશન જલ રાહત 2’ શરૂ કર્યું
મણિપુરના વિવિધ ભાગોમાં આવેલા વિનાશક પૂરને પગલે, ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ‘ઓપરેશન જલ રાહત 2’ શરૂ કર્યું હતું. આસામ રાઇફલ્સના પ્રવક્તાએ જણાવ્યું કે, આસામ રાઇફલ્સના સૈનિકોએ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સૈનિકો તૈનાત કર્યા છે. રાહત અને બચાવ કામગીરી પોરમપટ, વાંકેઈ, પેલેસ કમ્પાઉન્ડ, ન્યુ ચેકોંગ, ખુરઈ હેઈક્રુમાખોંગ હેનાંગ, સોઈબામ લાઈકાઈ, વાંખેઈ અંગોમ લાઈકાઈ, ઈમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓની આસપાસ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમોએ સિંજમેઈના વાંખેઈ ખુનોઉમાંથી 193 લોકોને બચાવ્યા.
ખુરાઈ હેઈક્રુમાખોંગ ખાતે રાહત અને બચાવ કામગીરી દરમિયાન 182 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમના અન્ય વિસ્તારોમાંથી 408 વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. પૂરગ્રસ્ત તમામ લોકોને ઊંચા સ્થળોએ અને સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા. આસામ રાઇફલ્સના આરોગ્ય નિષ્ણાતોએ પીવાનું પાણી, ખાદ્ય પેકેટ અને તાત્કાલિક તબીબી સહાય પણ પૂરી પાડી હતી.
આસામના જ્યાં જુઓ ત્યાં ચારેતરફ માત્ર પાણી, ધરાશાયી થયેલા વૃક્ષ અને અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ તેમજ સુમસામ રસ્તાઓ જોવા મળી રહ્યાં છે. સ્થાનિકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. વરસાદના વિરામ બાદ પણ પૂરનું પાણી ઓસરી નથી રહ્યાં અને તેમાં તંત્ર કામે લાગ્યું છે. નદી કાંઠે ન જવા માટે સૂચના અપાઈ રહી છે. કારણ કે, લગભગ તમામ નદીઓ ભયજનક સપાટી પાર કરી ચૂકી છે.
નદીમાં પૂરની સ્થિતિ થતા ઘરોમાં પાણી ઘૂસી રહ્યાં છે અને ઘર ડૂબી જતા લોકો બેઘર થયા છે. ક્યાં રહેવું, ક્યાં સુવું ? આ બધી બાબતોને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, તંત્ર દ્વારા ખડેપગે રહી કામગીરી શરૂ કરાઈ રહી છે. ભારે વરસાદને કારણે અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો પણ અટવાયા હતા.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાય મળશે
અરુણાચલ પ્રદેશના પૂર્વ કમેંગ અને લોઅર સુબનસિરી જિલ્લામાં ભૂસ્ખલનમાં નવ લોકોના મોત થયા છે. શુક્રવારે રાત્રે પૂર્વ કામેંગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 13 પર ભૂસ્ખલનને કારણે વાહન ખાડામાં પડી જતાં બે પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. જેમાં બાળકો અને બે ગર્ભવતી મહિલાઓનો સમાવેશ હતો. તે જ સમયે, લોઅર સુબનસિરી જિલ્લામાં ખેતરોમાં કામ કરી રહેલા બે કામદારો ભૂસ્ખલન હેઠળ દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.
અરુણાચલ પ્રદેશ સરકારે છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન પેમા ખાંડુએ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.