ફરીદાબાદથી ઝડપાઈ જૈશ-એ-મોહમ્મદની મહિલા કમાન્ડર ડૉ. શાહીન શાહિદ, ભારતમાં મહિલા આતંકી ગેંગ ઊભી કરવાનો કરતી હતી પ્રયાસ
ભારતમાં નવી ઉભરી રહેલ આતંકવાદી ડોકટરોની ડી ગેંગના વધુ એક સભ્ય, ડોકટર શાહીન શાહિદની ફરીદાબાદમાં શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ભારતમાં જૈશ-એ-મોહમ્મદની "જમાત-ઉલ-મોમિનત"ની કથિત મહિલા કમાન્ડર શાહિન પર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભુ કરવા, પ્રચાર અને ભંડોળ એકત્ર કરવા માટેની પ્રવૃત્તિઓમાં મહિલાઓને સામેલ કરવાનો આરોપ છે.

દિલ્હી બ્લાસ્ટ પહેલા દેશના વિવિધ ભાગોમાંથી ઘણા ડોકટરોની ધરપકડ કરવામાં આવી હતી. એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ડોકટર ઉમર દિલ્હી વિસ્ફોટની ઘટનામાં સામેલ હતા. દરમિયાન, ફરીદાબાદમાં એક મહિલા ડોકટર શાહીન શાહિદની શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જેનો પહેલો ફોટો સામે આવ્યો છે.
ડોકટર શાહીન શાહિદ જૈશ-એ-મોહમ્મદની મહિલા કમાન્ડર હોવાનું કહેવાય છે. તેને ભારતમાં “જમાત-ઉલ-મોમિનત” ની કમાન સોંપવામાં આવી હતી, જમાત-ઉલ-મોમિનત મનોવૈજ્ઞાનિક રીતે દબાણ લાવવા, પ્રચાર કરવા અને જરૂરી ભંડોળ એકઠુ કરવા માટેની પ્રવૃત્તિઓમાં મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે.
કોણ છે ડોકટર શાહીન શાહિદ ?
ડોકટર શાહીન શાહિદ લખનૌની રહેવાસી છે. તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરે છે. અટકાયત કરાયેલા મુઝમ્મિલે આપેલી માહિતીના આધારે ફરીદાબાદ પોલીસે ડોકટર શાહીન શાહિદની ધરપકડ કરી હતી, જેણે મુઝમ્મિલને તેની કારમાં AK-47 સંતાડવાની મંજૂરી આપી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડોકટર શાહીન શાહિદ પણ આ આતંકવાદી નેટવર્કનો એક ભાગ હતી. તે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની બહેન શાહિદા અઝહરના સતત સંપર્કમાં હતી. શાહિદા અઝહરનાના ઇશારે ડોકટર શાહીન શાહિદ ભારતમાં જૈશ માટે મહિલા આતંકવાદી બ્રિગેડ તૈયાર કરી રહી હતી. તે જૈશના જમાત-ઉલ-મોમિનત સંગઠન સાથે પણ જોડાયેલી હતી.
દિલ્હી બ્લાસ્ટમાં ડોક્ટરોની તપાસ
દિલ્હીમાં ગઈકાલ 10મી નવેમ્બરને સોમવારે સાંજે થયેલા બ્લાસ્ટ બાદ દેશભરના ઘણા ડોક્ટરોની તપાસ કરવામાં આવી છે. હાલમાં આ કેસના સંદર્ભમાં ઘણા ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન, ઘણા અન્ય ડોક્ટરો તપાસ એજન્સીઓના રડાર પર છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ, લખનૌથી માંડીને કાશ્મીર સુધી ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે.
આતંકવાદી ડોકટરોની D ગેંગ
તપાસ એજન્સીઓનું માનવું છે કે, અટકાયત કરાયેલા બધા ડોક્ટરો એકબીજા સાથે જોડાયેલા છે. ભારતમાં હવે ડોકટરના સ્વાંગમાં આતંકવાદીઓ પેદા થઈ રહ્યાં છે. જેઓ તેમના વ્યવસાયની આડમાં દેશ વિરોધી પ્રવૃતિ કરતા થયા છે. આથી જ આવા ડોકટરોની ગેંગને આતંકવાદીઓની ડી ગેંગ તરીકે ઓળખાય છે. આ ડી ગેંગના લોકોએ જ જ દિલ્હીમાં વિસ્ફોટ કરવાના આતંકી કૃત્યને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. તપાસ એજન્સીઓ આ કેસની વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે.
દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.