ભારતીય રેલવેએ મુસાફરી ટિકિટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઈ વ્યક્તિ તેના બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ ખરીદે છે, તો તેને વૈકલ્પિક વીમા યોજનાનો લાભ નહીં મળે. IRCTC અનુસાર, સંપૂર્ણ ભાડું ચૂકવીને સીટ બુક કરાવ્યા પછી જ વીમાનો લાભ મળશે. ઉપરાંત, IRCTCએ 1 એપ્રિલથી રેલ પેસેન્જર ઓપ્શનલ ઈન્સ્યોરન્સનું પ્રતિ પેસેન્જર પ્રીમિયમ વધારીને 45 પૈસા કર્યું છે. જે પહેલા તે 35 પૈસા હતુ.
IRCTCના જણાવ્યા મુજબ રેલ પેસેન્જર ઓપ્શનલ ઈન્સ્યોરન્સ સ્કીમનો લાભ ફક્ત ઈ-ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ મળશે. એટલે કે, રેલવે ટિકિટ કાઉન્ટર, ખાનગી રેલ બુકિંગ કાઉન્ટર અથવા બ્રોકર્સ પાસેથી ખરીદેલી ટિકિટ પર વીમા યોજનાનો લાભ નહીં મળે. આ સુવિધા તમામ ટ્રેન ક્લાસ AC-1,2,3, સ્લીપર,સહિત તમામ ક્લાસ પર લાગુ પડશે. વેઇટિંગ લિસ્ટમાં રહેલા રેલવે મુસાફરો વીમા યોજના માટે પાત્ર નહીં હોય.
વાસ્તવમાં, ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે, વ્યક્તિએ તે વીમા સુવિધાનો લાભ મેળવવો છે કે નહીં તે પસંદ કરવું પડશે. જો મુસાફર વીમાની સુવિધા મેળવવા માંગે છે તો તેણે તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રેલવે પેસેન્જરના મોબાઈલ અને ઈ-મેઈલ પર ઈન્સ્યોરન્સ કંપની તરફથી મેસેજ આવે છે. મુસાફરી દરમિયાન ટ્રેનનો રૂટ બદલવામાં આવે તો પણ મુસાફરને આ સુવિધાનો લાભ મળશે. ઉપરાંત, જો કોઈ કારણોસર રેલવે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને માર્ગ દ્વારા પરિવહન કરે છે, તો આવી સ્થિતિમાં પણ મુસાફરોને વૈકલ્પિક યોજનાનો લાભ મળશે.
રેલવેમાં મુસાફરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, 10 લાખ રૂપિયા, આંશિક વિકલાંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તો આશ્રિતને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય રોડ ટ્રાન્સપોર્ટ માટે 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.
રેલવે અંગેની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, 2018-19માં 34.40 કરોડ રેલવે મુસાફરોએ વીમો મેળવ્યો હતો અને વીમા કંપનીઓને પ્રીમિયમ તરીકે રૂ. 8.53 કરોડ મળ્યા હતા. વર્ષ 2019-20માં, 27.30 કરોડ મુસાફરોએ વીમા પ્રીમિયમ તરીકે રૂ. 13.38 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે વીમા કંપનીઓએ 2018-19માં રૂ. 6.12 કરોડ અને 2019-20માં રૂ. 3.73 કરોડની દાવાની ચૂકવણી કરી હતી.