IMA નો દાવો: પતંજલિએ માછલીઓ પર કોરોનિલનું કર્યું પરીક્ષણ, તે પણ બરાબર થયું નથી
IMA ના ડો.ખન્નાએ કહ્યું કે દવાઓના પરીક્ષણ માટે એક પ્રમાણભૂત પ્રક્રિયા છે. જ્યારે પરીક્ષણમાં આ પ્રક્રિયાને અનુસરવામાં ના આવે, ત્યારે કોઈ પણ કેવી રીતે નિષ્કર્ષ પર આવી શકે છે કે દવા અસરકારક છે કે નહીં?
બાબા રામદેવ અને એલોપથીનો (Baba Ramdev) વિવાદ વધતો જઈ રહ્યો છે. ડોકટરોએ ગઈ કાલે એટલે કે 1 જુને બાબા રામદેવના નિવેદનના વિરોધમાં બ્લેક ડે ઉજવ્યો હતો. હવે બાબા રામદેવની કંપની પતંજલિની કોરોનીલને (Coronil) લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. IMA ઉત્તરાખંડના સચિવ ડોક્ટર અજય ખન્નાએ આ દાવાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પતંજલિએ ઉત્તરાખંડની નદીઓમાં જોવા મળેલી ઝેબ્રા માછલી (માછલીની એક પ્રજાતિ) પર કોરોનિલનું પરીક્ષણ કર્યું છે.
માછલીઓ પર કોરોનીલનું પરીક્ષણ
જી હા IMA ઉત્તરાખંડના સચિવ ડોક્ટર અજય ખન્નાએ દાવો કરતા કહ્યું કે કોરોનિલનું પરીક્ષણ માછલી પર કરવામાં આવ્યું છે. અને આ દાવા સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પતંજલિએ પોતે જ પાયથોમેડિસિન જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પેપરમાં આ માહિતી આપી છે.
મનુષ્ય માટે ના વાપરી શકાય આ દવા?
તેઓએ આગળ જણાવ્યું કે નિયમો અનુસાર માછલી પર પરીક્ષણ કરેલી દવાઓનો ઉપયોગ મનુષ્યો માટે કરી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે માછલી પર પણ ઠીક રીતે પરીક્ષણ થયું નથી. માછલીને કોરોના થયા બાદ કોરોનિલ આપવી જોઈતી હતી. જેથી ખ્યાલ આવે કે તેની વાયરસ પર કોઈ અસર થાય છે કે કેમ!
જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં તેમણે માછલીને સ્પાઇક પ્રોટીન આપવાની વાત લખી છે. ડો.ખન્નાએ કહ્યું કે આ સંશોધન સંપૂર્ણપણે ખોટું છે. આવી સ્થિતિમાં આ આધારે કોરોનિલ વિશે પતંજલિ અને બાબા રામદેવનો કોઈ પણ દાવો કરવો એ ખોટી વાત છે.
ડો.ખન્નાએ એમ પણ કહ્યું કે દવાઓના પરીક્ષણ માટે એક પ્રમાણભૂત પ્રક્રિયા છે. જ્યારે પરીક્ષણમાં આ પ્રક્રિયાને અનુસરવામાં ના આવે, ત્યારે કોઈ પણ કેવી રીતે નિષ્કર્ષ પર આવી શકે છે કે દવા અસરકારક છે કે નહીં?
IMA, PMHS, RDA ના ડોકટરોએ ઉજવ્યો બ્લેક ડે
યોગગુરુ બાબા રામદેવ અને એલોપથીનો વિવાદ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડના તેમજ સનગ્ર દેશના ખાનગી અને સરકારી તબીબો બાબાની ધરપકડની માંગ સાથે 1 જૂને બ્લેક ડેની ઉજવણી કરી હતી. ડોકટરોએ આ દરમિયાન બ્લેક પટ્ટી બાંધીને કામ પણ કર્યું હતું. માત્ર ડોક્ટર્સ જ નહીં પરંતુ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા.
અમે એલોપથીની વિરીધમાં નથી
વિવાદ ભડકતા બાબા રામદેવે કહ્યું કે અમે એલોપથી કે એલોપથી ડોક્ટર્સની વિરોધમાં નથી. અમારું અભિયાન ડ્રગ માફિયાઓની વિરુદ્ધમાં છે. જે બે રૂપિયાની દવાઓને બે હજારમાં વેચે છે. ડ્રગ માફિયા વિરુદ્ધ આ અભિયાન ચાલુ જ રહેશે. અને આયુર્વેદને અપમાનિત કરવાના કોઈ પણ પ્રયાસો સહન કરી લેવામાં નહીં આવે.
આ પણ વાંચો: મદદ માટે લાંચ? મેહુલ ચોકસીની મદદ માટે તેના ભાઈએ ડોમિનિકાના વિપક્ષ નેતાને આપ્યા આટલા લાખ ડોલર