ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વે અને વીડિયોગ્રાફી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી હતી. આવતીકાલે પણ સર્વે ચાલુ રહેશે. વારાણસીના પોલીસ કમિશનર એ સતીશ ગણેશે જણાવ્યું હતું કે સર્વેનું કાર્ય આજે શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું અને કોઈપણ પક્ષે કોઈ અવરોધ ઊભો કર્યો નથી. અહીં બધું સામાન્ય છે. અમે સર્વેની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છીએ. જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સંકુલની સુરક્ષામાં 1500થી વધુ પોલીસકર્મીઓ અને PAC જવાનો તહેનાત હતા. સર્વેનો રિપોર્ટ 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવાનો છે.
આજે સર્વે ટીમે જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાના પાંચ રૂમનો સર્વે પૂર્ણ કર્યો છે. સર્વે બાદ એડવોકેટ કમિશનરની ટીમ જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્મા અને પોલીસ કમિશનરે સતીશ ગણેશ સાથે પરિસરમાંથી બહાર આવી હતી. આ ટીમે પશ્ચિમી દિવાલનો પણ સર્વે કર્યો છે. સર્વેની કામગીરી 15મી મે એટલે કે રવિવારે પણ ચાલુ રહેશે. આ દિવસે જ્ઞાનવાપી મસ્જિદની અંદર અને ઉપરના કેટલાક રૂમની સાથે પશ્ચિમની દિવાલ અને અન્ય દિવાલોનો પણ સર્વે કરવામાં આવશે.
વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેને કહ્યું છે કે આપણે કલ્પના કરી શકીએ તેના કરતાં પણ ઘણું બધું ત્યાં છે. તેમણે કહ્યું કે આવતીકાલે ફરીથી સર્વે કરવામાં આવશે. આજના સર્વેમાં કેટલાક તાળાઓ ખોલવામાં આવ્યા હતા, તો કેટલાક તોડવા પડ્યા હતા. તેમણે કહ્યું કે તે પૂર્ણ થયા બાદ સર્વેનો રિપોર્ટ પણ બધાની સામે આવશે. તેમણે કહ્યું કે કોર્ટના નિર્દેશ પર સર્વે કરવામાં આવી રહ્યો છે. જિતેન્દ્ર સિંહ બિસેને કહ્યું કે અમે તમામ બાબતો મીડિયામાં શેર કરી શકતા નથી.
ગુજરાતના અમદાવાદ પહોંચેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, બાબરી મસ્જિદ પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે અને હવે જ્ઞાનનો મુદ્દો શરૂ થયો છે. તેમણે કહ્યું કે હું સરકારને આ વાત કહું છું કે અમે એક બાબરી મસ્જિદ ગુમાવી છે અને બીજી મસ્જિદ નહીં ગુમાવીએ.
નોંધનીય છે કે વારાણસી કોર્ટે ગુરુવારે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલના સર્વે-વીડિયોગ્રાફી કાર્ય માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય મિશ્રાને પક્ષપાતના આરોપસર હટાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે.