ભાગેડુ વિજય માલ્યા અને અબુ સાલેમને માટે સજાનું થશે એલાન, સુપ્રીમ કોર્ટ આ તારીખે સંભળાવશે સજા
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અદાલતની અવમાનના સંબંધિત એક કેસમાં દોષી ઠેરવ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, પરંતુ આ આરોપો બાદથી વિજય માલ્યા દેશમાંથી ફરાર છે.
11 જુલાઈ સોમવારે દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court of india) ભાગેડુ વિજય માલ્યા (Vijay Mallya) અને અબુ સાલેમના ભવિષ્યને લઈને મહત્વનો નિર્ણય આપવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અદાલતની અવમાનના સંબંધિત એક કેસમાં દોષી ઠેરવ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, પરંતુ આ આરોપો બાદથી વિજય માલ્યા દેશમાંથી ફરાર છે. ત્યારથી વિજય માલ્યા બ્રિટનમાં રહે છે. જોકે ત્યાં પણ વિજય માલ્યા કોર્ટના પડકારોનો સામનો કરી રહ્યા છે. જે અંતર્ગત માલ્યાને યુકેની કોર્ટમાંથી જામીન મળી ગયા છે. વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
સાથે સાથે સુપ્રીમ કોર્ટ અબુ સાલેમની એક અરજી પર 11 જુલાઈએ ચુકાદો સંભળાવવા જઈ રહી છે, જેમાં અબુ સાલેમે 1993ના મુંબઈ વિસ્ફોટ કેસમાં તેની આજીવન કેદને 25 વર્ષ સુધી ઘટાડવાની માંગ કરી છે. ભારત સરકારે સાલેમના પ્રત્યાર્પણ સમયે પોર્ટુગલ પ્રજાસત્તાકને આ વચન આપ્યું હતું. જેના આધારે અબુ સાલેમે અરજી દાખલ કરી છે.
માલ્યા હજુ સુધી કોર્ટમાં હાજર થયો નથી
કોર્ટની અવમાનના સાથે જોડાયેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાને ઘણી વખત હાજર થવા માટે કહ્યું છે, પરંતુ વિજય માલ્યા હજુ સુધી કોર્ટમાં હાજર થયા નથી. આ કેસમાં 10 ફેબ્રુઆરીએ કોર્ટે માલ્યાને તેની સામેના અવમાનના કેસમાં વ્યક્તિગત રીતે અથવા વકીલ દ્વારા હાજર થવા માટે 2 અઠવાડિયાની છેલ્લી તક આપી હતી, પરંતુ તે પછી પણ વિજય માલ્યા હાજર થયો નથી. જે બાદ કોર્ટે આ મામલાની સુનાવણી કરતા 11 જુલાઈ માટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ છે મામલો
વિજય માલ્યા દ્વારા કોર્ટની અવમાનના સંબંધિત આ કેસ 2017નો છે. જેમાં સુપ્રીમ કોર્ટે 2017માં માલ્યાને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને તેના બાળકોને USD 40 મિલિયન ટ્રાન્સફર કરવાની માહિતી છુપાવવા બદલ કોર્ટની અવમાનના માટે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે માલ્યાને તેના બાળકોના ખાતામાં $40 મિલિયન ટ્રાન્સફર કરીને અને સંપત્તિની સચોટ વિગતો ન આપીને આદેશની અવમાનના માટે દોષિત ઠેરવ્યો હતા.
નાદારીના આદેશને પલટાવવાનો માલ્યાનો પ્રયાસ
વિજય માલ્યા ભારતમાંથી નાસી છૂટ્યા ત્યારથી બ્રિટનમાં રહે છે, પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની ભારતીય બેંકોના એક સંઘે માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્સ પર આશરે £1.05 બિલિયનની લોનનું સમાધાન કર્યું છે. યુકેની અદાલતે માલ્યા સામે ચાલી રહેલા કેસોમાં વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા છે, જેને પલટાવવા માટે માલ્યાએ લંડનમાં અપીલ દાખલ કરી છે.