Sadhana Gupta Died: સાધના ગુપ્તા સપાના સામાન્ય કાર્યકર્તા હતા ત્યારે શરૂ થઈ હતી પ્રેમ કહાની, 19 વર્ષ સુધી દુનિયાથી છુપાવ્યુ રાઝ
પહેલી પત્ની હોવા છતા મુલાયમ સિંહ યાદવે બીજી પત્ની સાધના સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જો કે આ લગ્નના વર્ષો બાદ સાધનાને બીજી પત્ની તરીકે સમ્માન મળ્યુ.
Sadhana Gupta Biography: સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ની બીજી પત્ની સાધના ગુપ્તાનું શનિવારે અવસાન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ હતા. મુલાયમ સિંહ યાદવે તેમની પહેલી પત્ની માલતીના અવસાન પછી જ સાધના ગુપ્તા સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું હતું. સાધના ગુપ્તાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે અને તે અખિલેશ યાદવના સાવકા ભાઈ છે. યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન સપા છોડીને ભાજપમાં સામેલ થયેલા અપર્ણા યાદવ પ્રતીક યાદવની પત્ની છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાધના ગુપ્તાની તબિયત છેલ્લા ઘણા સમયથી બગડી રહી હતી અને તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મુલાયમ સિંહની સાધના ગુપ્તા સાથેની લવસ્ટોરી, લગ્ન અને બીજી પત્ની તરીકેનો દરજ્જો મળવાની તમામ કહાની આવો જાણીએ વિસ્તારથી.
મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતી સાધના
મુલાયમ સિંહ યાદવની ગણના દેશના મોટા નેતાઓમાં થાય છે. તેમના પરિવારમાં પુત્ર અખિલેશ યાદવ યુપીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ સક્રિય રાજકારણમાં છે. મુલાયમ સિંહે બે લગ્ન કર્યા. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી છે. માલતીએ 1973માં અખિલેશ યાદવને જન્મ આપ્યો હતો. વર્ષ 2003માં માલતી દેવીનું લાંબી માંદગીને કારણે નિધન થયું હતું. એવું કહેવાય છે કે મુલાયમ સિંહ યાદવે પહેલી પત્ની હોવા છતા સાધના સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્નના વર્ષો પછી સાધનાને બીજી પત્ની તરીકે સન્માન મળ્યું હતુ.
આવી રીતે શરૂ થઈ સાધના સાથે મુલાયમની પ્રેમ કહાની
શરૂઆતના સમયમાં સાધના ગુપ્તા સમાજવાદી પાર્ટીમાં સામાન્ય મહિલા કાર્યકર હતા. કહેવાય છે કે તે પહેલાથી જ પરિણીત હતા. તેના પહેલા પતિ ચંદ્રપ્રકાશ ગુપ્તા ફર્રુખાબાદ જિલ્લામાં વેપારી હતા. બાદમાં કેટલાક અંગત કારણોસર તેનાથી અલગ થઈ ગયા. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1980માં તે સમાજવાદી પાર્ટીમાં જોડાયા. સપામાં તે એક અનામી કાર્યકર તરીકે કામ કરતા હતા.
1982માં જ્યારે મુલાયમ લોકદળના અધ્યક્ષ બન્યા ત્યારે પણ સાધના એક સામાન્ય કાર્યકર હતી. મુલાયમ જ્યારે રાજનીતિમાં ટોચ પર જઈ રહ્યા હતા, ત્યારે તેમના જીવનમાં સાધના આવી. સાધના મુલાયમ કરતા 20 વર્ષ નાની હતી. પહેલી જ મુલાકાતમાં નેતાજી અને સાધનાની આંખો મળી અને આ રીતે બંનેની પ્રેમ કહાની શરૂ થઈ.
માતા અને પ્રથમ પત્નીને હતી પહેલાથી ખબર
સાધના સાથે મુલાયમની પ્રેમ કહાની ભલે દુનિયા સામે ભલે ગુપ્ત રહી હોય, પરંતુ મુલાયમની માતા અને તેમની પહેલી પત્ની માલતીને પણ આ સંબંધની જાણ હતી. પારિવારિક દબાણને કારણે મુલાયમ સિંહે આ સંબંધને લાંબા સમય સુધી સ્વીકાર્યો ન હતો. પ્રતીક યાદવ સાધના ગુપ્તાના પુત્ર છે. મુલાયમે આ સંબંધને હંમેશા છુપાવીને રાખ્યો હતો. 1988 પહેલા દુનિયાને ખબર નહોતી કે મુલાયમ સિંહને બીજો પુત્ર પણ છે- પ્રતીક યાદવ.
આવી રીતે મળ્યો બીજી પત્નીનો દરજ્જો
મુલાયમ સિંહની પહેલી પત્ની બીમાર રહેવા લાગી. તેમની પ્રથમ પત્ની માલતીનું વર્ષ 2003માં લાંબી માંદગીના કારણે નિધન થયું હતું. આ ઘટનાને થોડો સમય થયો હશે કે મુલાયમના નજીકના ગણાતા અમર સિંહે ફરી એકવાર મુલાયમના સાધના સાથેના સંબંધોને હવા આપી. સમયનું ચક્ર ફર્યુ અને 2007માં મુલાયમ સિંહ યાદવ સામે આવકથી વધુ સંપત્તિના કેસમાં CBI તપાસ ચાલી રહી હતી. બચવા માટે મુલાયમ સિંહે સ્વીકાર્યું કે સાધના ગુપ્તા તેમની બીજી પત્ની છે અને તેમને એક પુત્ર પ્રતીક પણ છે. પછી દુનિયાને મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની અને પુત્ર પ્રતીક યાદવ વિશે જાહેરમાં ખબર પડી.