EDનો મોટો આરોપ, સોનિયા – રાહુલ ગાંધીએ કર્યો રૂપિયા 2000 કરોડનો ગોટાળો
ASG એ દલીલ કરી હતી કે કોંગ્રેસ પાર્ટીનો હેતુ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની મિલકત હડપ કરવાનો હતો અને આ માટે યંગ ઇન્ડિયા નામની કંપની બનાવવામાં આવી હતી અને તેના દ્વારા માત્ર 90 કરોડ રૂપિયાની લોનના બહાને 2000 કરોડ રૂપિયાની મિલકત ટ્રાન્સફર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન ED વતી ASG SV રાજુએ દલીલો કરી હતી. ASG SV રાજુએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયનએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) હસ્તગત કરી હતી, જેની મિલકત 2000 કરોડ રૂપિયાની છે. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ હસ્તગત કરવા માટે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની રચના કરવામાં આવી હતી.
SV રાજુએ જણાવ્યું હતું કે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના ડિરેક્ટરે કોંગ્રેસને પત્ર લખીને જણાવ્યું હતું કે, પ્રકાશન બંધ થવાને કારણે અને નિયમિત આવક ના હોવાને કારણે તેઓ લોન ચૂકવી શકતા નથી. એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ દલીલ કરી હતી કે, યંગ ઇન્ડિયને જાહેર કર્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના લાભાર્થી માલિકો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સુમન દુબે, સેમ પિત્રોડા યંગ ઇન્ડિયનમાં મુખ્ય હોદ્દા પર હતા.
રાહુલ-સોનિયાએ 2000 કરોડ રૂપિયાની ગોલમાલ કરી – ED
એસવી રાજુએ કહ્યું કે, 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતી કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ને માત્ર 90 કરોડ રૂપિયાની લોન માટે હસ્તગત કરવામાં આવી હતી. આ એક છેતરપિંડી જ છે. આ વાસ્તવિક વ્યવહાર નહોતો. AJL કોંગ્રેસ દ્વારા નહીં, પરંતુ યંગ ઇન્ડિયન દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તે એક કાવતરું હતું. કોંગ્રેસે વ્યાજ લીધું ન હતું, કે સુરક્ષા લીધી ના હતી. ASGએ કહ્યું કે 90 કરોડ રૂપિયાની લોન 50 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.
રાજુએ કહ્યું કે તે એક ગુનાહિત કાવતરું હતું, જેમાં યંગ ઇન્ડિયનને નકલી કંપની તરીકે બનાવવામાં આવી હતી. જેથી જાહેર નાણાંનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ માટે થઈ શકે. હકીકતમાં, આ સમગ્ર કેસમાં, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સુમન દુબે, સેમ પિત્રોડા વિરુદ્ધ મની લોન્ડરિંગ સહિત અનેક કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ED એ તેમની સામે મની લોન્ડરિંગ સહિત અનેક કલમો લગાવી છે.
જોકે, કોંગ્રેસનું કહેવું છે કે યંગ ઇન્ડિયન એક બિન-લાભકારી કંપની છે અને તેનો કોઈ વ્યક્તિગત લાભ લેવામાં આવ્યો નથી. આ કેસની સુનાવણી 8 જુલાઈ સુધી દરરોજ થશે, જ્યાં ED અને આરોપીઓ તરફથી વધુ દલીલો સાંભળવામાં આવશે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો