“લાલ કિલ્લો અમારો છે” આવું કહેતી મહિલાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો
Red Fort : સુલતાના બેગમે અરજીમાં કહ્યું હતું કે 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બળજબરીથી લાલ કિલ્લા પર કબજો કર્યો હતો.
DELHI : દિલ્હી હાઈકોર્ટે સોમવારે લાલ કિલ્લા (Red Fort) પર તેના અધિકારની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર (Bahadur Shah Zafar)ની પૌત્રી સુલતાના બેગમે (Sultana Begum) દાખલ કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે જ્યારે લાલ કિલ્લા પરના દાવા અંગે સુલતાનાના પૂર્વજોએ કંઈ કર્યું નથી તો હવે કોર્ટ તેમાં શું કરી શકે.
હાઇકોર્ટે અરજી દાખલ કરવામાં વિલંબના આધારે અરજી ફગાવી દીધી હતી. પિટિશન ફાઈલ કરવામાં એટલો વિલંબ થયો છે, જેના માટે સુલતાના બેગમની પાસે કોઈ ખુલાસો નથી. સુલતાના બેગમે અરજીમાં કહ્યું હતું કે 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company)એ બળજબરીથી લાલ કિલ્લા પર કબજો કર્યો હતો.
250 એકર જમીનમાં ફેલાયેલો છે આ ભવ્ય કિલ્લો રાજધાની દિલ્હીમાં સ્થિત ભારતીય અને મુઘલ સ્થાપત્યથી બનેલી આ ભવ્ય ઐતિહાસિક કલાકૃતિનું નિર્માણ પાંચમા મુઘલ શાસક શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના આ ભવ્ય લાલ કિલ્લાનું નિર્માણ કાર્ય 1648માં લગભગ 10 વર્ષ સુધી ચાલ્યું. મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલી તમામ ઈમારતોનું પોતાનું અલગ ઐતિહાસિક મહત્વ છે. 250 એકર જમીનમાં ફેલાયેલો આ ભવ્ય કિલ્લો મુઘલ રાજાશાહી અને અંગ્રેજો સામેના ઊંડા સંઘર્ષની વાર્તા કહે છે.
ત્રણ બાજુથી યમુનાથી ઘેરાયેલો કિલ્લો આ ભવ્ય કિલ્લો દિલ્હીની મધ્યમાં યમુના નદીના કિનારે આવેલો છે, જે ત્રણેય બાજુઓથી યમુના નદીથી ઘેરાયેલો છે, જેની અદભૂત સુંદરતા અને આકર્ષણ જોવામાં આવે છે. આ ભવ્ય કિલ્લાના નિર્માણને કારણે, ભારતની રાજધાની દિલ્હીને શાહજહાનાબાદ કહેવામાં આવતું હતું, સાથે જ તેને શાહજહાંના શાસનકાળની રચનાત્મકતાનું ઉદાહરણ માનવામાં આવતું હતું. મુઘલ બાદશાહ શાહજહાં બાદ તેના પુત્ર ઔરંગઝેબે પણ આ કિલ્લામાં મોતી-મસ્જિદ બનાવી હતી.
2007 માં વર્લ્ડ હેરિટેજની સૂચિમાં સામેલ થયો કિલ્લો 18મી સદીમાં અંગ્રેજોએ લાલ કિલ્લા પર કબજો જમાવ્યો અને કિલ્લામાં ભારે લૂંટ ચલાવી. ભારતની આઝાદી બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેના પર ત્રિરંગો ફરકાવી દેશને સંદેશો આપ્યો હતો.આઝાદી પછી, લાલ કિલ્લાનો સૈન્ય તાલીમ માટે ઉપયોગ કરવામાં આવ્યો અને પછી તે એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત બન્યો, જ્યારે તેની આકર્ષકતા અને ભવ્યતાને કારણે, તેને 2007 માં વર્લ્ડ હેરિટેજની સૂચિમાં સામેલ કરવામાં આવ્યો.