દિલ્હી તો વગર વરસાદે પૂરમાં ડૂબ્યું, જાણો પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોની સ્થિતિ
હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આવતીકાલ એટલે કે શનિવારથી વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં પૂરના કારણે ચોમેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. યમુના નદીમાં ધસમસતુ પૂર આવવાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. યમુનાનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું. સેંકડો લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અનેક માર્ગો પ્રભાવિત થયા હતા. પરંતુ સારા સમાચાર એ છે કે છેલ્લા બે દિવસથી વરસાદના અભાવે યમુનાનું જળસ્તર હવે સ્થિર થયું છે. જો હવે ઉપરવાસમાં વધુ વરસાદ ના પડે તો ધીમે ધીમે યમુનામાં પાણીનું સ્તર ઘટવા લાગશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂના રેલવે બ્રિજ પર એક વાગ્યે યમુનાના પાણીનું સ્તર વધીને 208.62 મીટર થઈ ગયું હતું. પાલ્લા ગામની આસપાસ પાણીનું સ્તર 212.70 મીટરે પહોંચ્યું હતું. જણાવી દઈએ કે દિલ્હીમાં યમુનાના જળસ્તરે 45 વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે. 1978માં યમુના નદીનું જળસ્તર 207.49 મીટર હતું. જો હવે વધુ વરસાદ નહીં પડે તો યમુનાનું જળસ્તર ઘટશે.
આજે દિલ્લીમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આવતીકાલ એટલે કે શનિવારથી વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ દિલ્હીના તાપમાનની વાત કરીએ તો આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે પણ દક્ષિણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.
ઉત્તર પ્રદેશમાં પૂરનો ખતરો
ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની પ્રક્રિયા ચાલુ છે. અનેક વિસ્તારોમાં પૂરનો ભય છે. નદીઓમાં પાણી ધસમસી રહ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 18 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, 90થી વધુ લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. અહીં 90 થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વરસાદને કારણે અહીં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેના કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પરની અવરજવર બંધ થઈ ગઈ છે. તેની અસર ચારધામ યાત્રા પર પણ પડી હતી. અવિરત વરસાદને કારણે અનેક પુલ તૂટી પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે.
NDRFની 16 ટીમો દિલ્હીમાં તૈનાત
દિલ્હીમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા NDRFની 16 ટીમો તહેનાત કરાઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 3 દિવસથી યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે યમુના નદીનું જળસ્તર 208.62 મીટરે પહોંચી ગયું હતું. તેણે 45 વર્ષનો 207.49 મીટરનો રેકોર્ડ તોડ્યો. દિલ્હીમાં યમુના નદી અત્યાર સુધીના સૌથી ખતરનાક સ્તરે વહી રહી છે.
પંજાબ અને હરિયાણાની હાલત ખરાબ છે
પંજાબ-હરિયાણામાં પણ વરસાદ અને પૂરના કારણે ખરાબ હાલત છે. આ બંને રાજ્યોમાં મુશળધાર વરસાદથી લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. પંજાબના 14 જિલ્લા અને હરિયાણાના સાત જિલ્લા વરસાદથી પ્રભાવિત થયા છે. સરકારી માહિતી અનુસાર પંજાબ અને હરિયાણામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ છ લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 21 થયો છે.
આ રાજ્યોમાં 24-48 કલાકમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ, અરુણાચલ, બિહાર, ઓડિશા, મણિપુર, બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં આગામી 24-48 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ જો દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો આગામી બે દિવસ દરમિયાન કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં વરસાદ પડી શકે છે.