રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 31stની મોડી રાતે બનેલ કંઝાવલા કાંડ બાદ કાનૂની વ્યવસ્થાના વિરોધને લઈને ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાના નિવાસ સ્થાને આજ રોજ બેઠક મળી હતી. જેમાં કંઝાવલા કાંડથી દિલ્હીની કાનૂની વ્યવસ્થાની પોલ ખુલી છે. આ ઘટના બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે આકરા શબ્દોમાં નિંદા કરતા ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમજ દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયેધરી આપી હતી.
આ મુદ્દે કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યું છે કે ‘આપણી બહેન સાથે જે થયું તે ખુબ જ શરમજનક છે’. આવુ કોઈ પણ સાથે થાય તે ખુબ ભયાનક છે, તેથી આ ઘટનાના આરોપીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ. આ સાથે કેજરીવાલે કંઝાવલા કેસના આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરી છે. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે કહ્યું કે, હજુ પણ દિલ્હી શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી. દિવસ રાત તેમને ભય સતાવતો રહે છે.
कंझावला की घटना पर सीएम अरविंद केजरीवाल का बयान.@ArvindKejriwal pic.twitter.com/mKzlKDDzuQ
— Asheesh Kumar Mishra (@Asheesh17604450) January 2, 2023
31st ડિસેમ્બરની મોડી રાતે દિલ્હીના સુલ્તાનપુરીમાં કેટલાક અજાણ્યા યુવકોના ટોળાએ એક યુવતીની સ્કૂટીને કારથી ટક્કર મારી હતી, જે બાદ યુવતીને 4 કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ભયંકર અકસ્માત અને તે બાદ યુવતીને રોડ પર ઘસડાવાને કારણે ઘટના સ્થળ પર જ યુવતીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના દિલ્હીના સુલ્તાનપુરીમાં બની હતી જે બાદ નરાધમો યુવતીને ઘસડીને કંઝાવલા સુધી લઈ ગયા હતા. આ ઘટના સામે આવતા જ દિલ્હી પોલીસે કાર ચાલક સહિત તેના અન્ય મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડ્યા અને આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, દેશની રાજધાની ક્રાઈમ સિટી બની ચુકી છે. દિલ્હીમાં આપણી બહેનો-દિકરીઓ સુરક્ષિત નથી અને એલજી સાહેબ કાનૂની વ્યવસ્થા પર ધ્યાન આપવાનું છોડી રાજનીતિ કરી રહ્યા છે. ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થામાં સુધારા કરવામાં આવે તેને લઈને આજે બેઠક યોજવામાં આવી હતી.
(ઈનપુટ – ભાષા)
Published On - 5:19 pm, Mon, 2 January 23