વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો અને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેનબિને કહ્યું હતું કે ચીની સરકારે ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે માન્યતા આપી નથી.
આ સિવાય ચીનના MFA દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાનનું આ પગલું બંને દેશો વચ્ચેના સરહદ વિવાદને વધુ જટિલ બનાવશે. હવે ચીનના આ વલણ પર ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર ચાઇના MFA પ્રવક્તાની ટિપ્પણીઓ અંગેના મીડિયાના પ્રશ્નોના જવાબમાં સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચાઇના MFAની ટિપ્પણીઓને નકારી કાઢીએ છીએ. ભારતીય નેતાઓ સમયાંતરે અરુણાચલ પ્રદેશની મુલાકાત લે છે, જેમ તેઓ ભારતના અન્ય રાજ્યોની મુલાકાત લે છે.
Our response to media queries regarding the comments by China MFA Spokesperson on the visit of Prime Minister to Arunachal Pradesh:https://t.co/svTZstfTq8 pic.twitter.com/8VqYC4m0T1
— Randhir Jaiswal (@MEAIndia) March 12, 2024
વધુમાં જણાવ્યું કે, આવી મુલાકાતો કે ભારતના વિકાસલક્ષી પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવવો યોગ્ય નથી. તદુપરાંત, આવી દલીલો એ વાસ્તવિકતાને બદલી શકશે નહીં કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. ચીનને આ અંગે ઘણી વખત જાણ કરવામાં આવી છે.
PM મોદીએ શનિવારે 9 માર્ચે સેલા ટનલ દેશને સમર્પિત કરી હતી. આ ટનલ 12 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી છે. એકવાર તે કાર્યરત થઈ ગયા પછી, તવાંગને દરેક સિઝનમાં કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત, તેના કમિશનિંગ સાથે, સેના સરહદી વિસ્તારોમાં સારી આવજાવ કરી શકશે.
સેલા ટનલ લગભગ 825 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તવાંગ વિસ્તાર 1962ના ચીન-ભારત યુદ્ધના પડછાયાથી ઘેરાયેલો છે, સેલા ટનલ શરૂ થયા બાદ તે LAC પર ભારતીય સેનાને ઝડપથી શસ્ત્રો પહોંચાડવામાં મદદ કરશે.