Breaking News: કોરોના 2.0 કમબેક? આ 8 રાજ્યોમાં ફરીથી ભયનો માહોલ!
ભારતમાં કોરોનાના કેસ ફરી વધ્યા છે. ઓમિક્રોનનો નવો સબ-વેરિઅન્ટ 'JN.1'ઝડપથી વધી રહ્યો છે. કોરોનાના મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જોવા મળી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક થયું છે અને લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને રસીનો બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહ્યું છે.

દેશમાં ફરી એકવાર કોરોનાના આગમનથી ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3300ને વટાવી ગઈ છે. નિષ્ણાતો માને છે કે, ઓમિક્રોનનો નવો સબ-વેરિઅન્ટ ‘JN.1’ ફેલાવાને કારણે પરિસ્થિતિ ફરીથી ગંભીર બની શકે છે. વધતા કેસો જોઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 100 થી વધુ પહોંચી ગઈ છે. આમાંથી કેટલાક રાજ્યોમાં મૃત્યુ પણ નોંધાયા છે.
મૃત્યુઆંકમાં સતત વધારો
છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે વધુ ચાર લોકોના મોત નિપજ્યા છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને કેરળમાં એક-એક વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. 1 જાન્યુઆરી, 2025 થી ભારતમાં કોવિડ-19 થી 26 લોકોના મોત થયા છે. દેશભરમાં 1435 લોકોની સારવાર કરવામાં આવી અને પછી રજા આપવામાં આવી. જો કે, આ સિવાય પણ મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને લોકોમાં ચિંતા વધી છે.
આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, કેરળ, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એવા રાજ્યો છે જ્યાં 100 થી વધુ સક્રિય કોવિડ-19 કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.
ભારતના આઠ રાજ્યોમાં ‘હાઈ એલર્ટ’
ભારતના આઠ રાજ્યોમાં 100 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં દિલ્લીમાં 375 કેસ છે, જ્યારે ગુજરાતમાં 265 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 234 અને કેરળમાં સૌથી વધુ 1,336 કેસ છે. મહારાષ્ટ્રમાં 467 કેસ નોંધાયા છે અને તમિલનાડુમાં 185 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 205 અને ઉત્તર પ્રદેશમાં 117 કેસ નોંધાયા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ છે, જે કુલ કેસોના લગભગ 40% છે. આ પછી, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં પણ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ઓમિક્રોન સબ-વેરિઅન્ટ ‘JN.1’નો ફેલાવો
નિષ્ણાતોના મતે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ ‘JN.1’, સૌપ્રથમ કેરળમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ આ ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે. આનાથી ચેપ દર વધી રહ્યો છે અને આરોગ્ય અધિકારીઓએ સતર્ક રહેવાની જરૂર છે. એવું માનવામાં આવે છે કે, કોરોનાનો આ JN1 વેરિઅન્ટ અગાઉના વાયરસ કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.