ભારતીય જનતા પાર્ટીના મુંબઈ શહેર અધ્યક્ષ આશીશ શેલરે ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના (TISS) વિદ્યાર્થીની સામે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. TISSના વિદ્યાર્થીઓએ બીબીસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ કરવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે ડોક્યુમેન્ટરી પર ભારતમાં ગયા શનિવારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે તેને પ્રોપગન્ડા ગણાવ્યો છે.
TISSના વિદ્યાર્થીઓએ જાહેરાત કરી હતી કે શનિવારે સાંજે 7 વાગ્યે તે વિવાદિત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરશે. તેની પર આશીશ શેલરે ટ્વીટ કર્યુ અને કહ્યું પોલીસને આ મામલે દખલગીરી કરવી જોઈએ, નહીં તો અમારે દખલ કરવાની ફરજ પડશે. આ એક બોગસ ડોક્યુમેન્ટરી છે.
જેઓ આ ડોક્યુમેન્ટરી બતાવવા પર અડગ છે તેઓ માત્ર ટેન્શન વધારવા માંગે છે. તેના કારણે કાયદાની વ્યવસ્થા બગડી શકે છે. TISSએ આને તરત જ બંધ કરવુ જોઈએ. મળતી માહિતી મુજબ ભાજપ TISS કેમ્પસની બહાર પ્રદર્શન કરશે.
આ પણ વાંચો: BBC ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ પર દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો, પોલીસે કલમ 144 લગાવી
આ અઠવાડિયાના શરૂઆતમાં TISSના વિદ્યાર્થી સંગઠન પ્રોગ્રેસિવ સ્ટૂડન્ટ્સ ફોરમે શનિવારે આ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. આ જાહેરાત દિલ્હીના વિદ્યાર્થીઓની સાથે એકજૂટતા બતાવવા માટે કરવામાં આવી હતી. તેની વચ્ચે યૂનિવર્સિટી મેનેજમેન્ટે ડોક્યુમેન્ટરીને કેમ્પસમાં બતાવવા માટેની અરજી રદ કરી.
TISSની એડવાઈઝરીમાં લખ્યું છે ‘તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સંસ્થાએ શૈક્ષણિક વાતાવરણને બગાડે અને અમારા કેમ્પસમાં શાંતિ અને સુમેળને જોખમમાં મૂકે તેવા કોઈ પણ પ્રકારના સ્ક્રીનિંગને મંજૂરી આપી નથી.’
વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી કે આ આદેશની વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિમાં જોડાશો નહીં, TISSના વિદ્યાર્થીઓની જાહેરાત ત્યારે સામે આવી છે, જ્યારે આ મુદ્દાને લઈ ઘણી યૂનિવસિર્ટીઓમાંથી અશાંતિના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલયમાં મંગળવારે સ્ક્રીનિંગ રોકવા માટે કથિત રીતે પાવર ખોરવાઈ ગયા બાદ પથ્થરમારો થયો હતો. આવી સ્થિતિ જામિયામાં પણ બની. તેની વચ્ચે ડોક્યુમેન્ટરી કોલકત્તાની જાદવપુર યૂનિવર્સિટીમાં ગુરૂવારે બતાવવામાં આવી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટરી ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટું વર્ણન બતાવે છે. ભારત સરકારે યુટ્યુબ અને અન્ય માધ્યમો પર આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો છે. યુટ્યુબ પર પહેલો ભાગ રજૂ કર્યા બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે બીજા ભાગને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.