મહારાષ્ટ્ર (Maharashtra)માં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અટકી ગયો છે. પરંતુ ફરી એકવાર ભારે વરસાદ પડવાની શક્યતા દેખાય રહી છે. આ શક્યતા હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 30 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. જે 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. પરભણી, નાસિક, થાણે, રાયગઢ, પાલઘર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મરાઠાવાડા સહિત વિદર્ભના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા તૈયાર થઈ રહ્યો છે અને તે પશ્ચિમ અને મધ્ય ભારત તરફ આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેના કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
In view of the formation of low pressure area over North west & adjoining west central Bay of Bengal, its further movement and other associated weather systems rainfall activity over Maharashtra is very likely to enhance during next 4-5 days. pic.twitter.com/t0XHZb6hzU
— Regional Meteorological Center,Mumbai (@RMC_Mumbai) August 28, 2021
ગરમી અને ભેજ વધ્યો છે, હવે ફરી વરસાદનું પુનરાગમન
મહારાષ્ટ્રમાં થોડા દિવસોથી વરસાદ અટકી ગયો હતો. હવે થોડા દિવસોથી હવામાન બદલાતું જણાય છે. બે દિવસ પહેલા રાજ્યભરમાં અચાનક તાપમાનમાં વધારો થવા લાગ્યો હતો તેમજ લોકો ભારે ગરમી અને ભેજ અનુભવી રહ્યા છે.
ઘણી જગ્યાએ તાપમાનમાં અચાનક 4 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. આજે ઘણા શહેરોમાં તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. બીજા અને ત્રીજા અઠવાડિયામાં ક્યાંક ઓછો તો ક્યાંક વધુ વરસાદ પડ્યો હતો.
આમ તો ઓરંગાબાદ અને તેની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ 19.9 મીમી એટલે કે બહુ ઓછો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 16 થી 23 તારીખ સુધી દરેક જગ્યાએ હળવો કે મધ્યમ વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન સરેરાશ 100 મીમી વરસાદ નોંધાયો હતો. જે બાદ વરસાદ તરત જ બંધ થઈ ગયો હતો. ત્યારે હવે ફરી એક વખત વરસાદી માહોલ ફરી બનવાની શક્યતા દેખાઈ રહી છે.
આ બાજુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ વરસાદ ખુબ ઓછો પડ્યો છે. હાલ નર્મદા ડેમ (narmada dam) માં પણ 45.40 ટકા જ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી સિંચાઈના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે. ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ નોંધાતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરી હતી. પરંતુ મેઘરાજા રિસાતા હાલ પાક નિષ્ફળ જવાના આરે છે.
હાલ કેટલાક જિલ્લાઓમાં તો વાવણી પણ હજુ સુધી થઈ શકી નથી. ત્યારે ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. ત્યારે ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપે. સરકાર તરફથી પણ એંધાંણ મળી રહ્યા છે કે સરકાર ટુંક સમયમાં દુષ્કાળની સત્તાવાર જાહેરાત કરશે.
આ પણ વાંચો : Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત