મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ (Eknath Shinde) જે રાજકીય ખેલ કર્યો છે. તેના કારણે શિવસેના પાર્ટી (Shiv Sena) તૂટતી હોય તેમ લાગતું નથી પરંતુ સરકાર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સંજોગોમાં સવાલ એ થાય કે શું ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પોતાની પાર્ટીને આ સંકટમાંથી બચાવી શકશે કે નહીં ? બુધવારે સુરત અને ગુવાહાટીથી મળેલા કેટલાક અહેવાલે માત્ર શિવસેના જ નહીં પરંતુ સમગ્ર મહાઅઘાડી ગઠબંધનનું બ્લડ પ્રેશર હાઈ રાખ્યું હતું. મુંબઈમાં ગઈકાલે આખો દિવસ મીટિંગો ચાલુ રહી હતી અને ગુવાહાટીમાં એકનાથ શિંદેની તરફે ટીમ વધતી રહી છે. તો બીજીબાજુ શિવસેના કહેતી રહી કે ગુવાહાટી ગયેલા ધારાસભ્યો પાછા આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના ધારાસભ્યો બાદ હવે એકનાથ શિંદેને શિવસેનાના સાંસદોનું સમર્થન મળી રહ્યું છે. વસીમના સાંસદ ભાવના ગાવિત, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, થાણેના સાંસદ રાજન વિચારે, કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે અને રામટેકના સાંસદ કૃપાલ તુમાનેએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. સાંસદ રાજન વિચારે 3 દિવસથી ગુવાહાટીમાં શિંદેની સાથે હાજર છે.
બુધવાર સુધી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે સાથે 38 ધારાસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે અને આજે સવારે વધુ કેટલાક ધારાસભ્યો ત્યાં પહોંચ્યા છે, કેટલાક વધુ ધારાસભ્યો પણ ઉદ્ધવનો પક્ષ છોડીને ગુવાહાટી પહોચશે તેમ અહેવાલો જણાવી રહ્યાં છે. આ રીતે, ગુવાહાટીમાં શિંદે તરફી મહારાષ્ટ્રના ધારાસભ્યોની સંખ્યા 44ને પાર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે ગુવાહાટી પહોંચેલા ચાર ધારાસભ્યોમાં ચંદ્રકાંત પાટીલ, યોગેશ કદમ, મંજુલા ગાવિત અને ગુલાબરાવ પાટીલનો સમાવેશ થાય છે. મંજુલા ગાવિત અને ચંદ્રકાંત પાટીલ અપક્ષ ધારાસભ્યો છે, જ્યારે યોગેશ કદમ અને ગુલાબરાવ પાટીલ શિવસેનાના ધારાસભ્ય છે.
નંબર ગેમ વિશે વાત કરતાં, એકનાથ શિંદે દાવો કરે છે કે તેમની સાથે શિવસેનાના એટલા બધા ધારાસભ્યો છે કે પક્ષપલટા વિરોધી કાયદો બિનઅસરકારક બની જાય છે. એટલે કે ઉદ્ધવ સરકારનું ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાનપદ એકનાથ શિંદે માટે છોડવા શરદ પવારે જણાવ્યુ છે. તો ઉદ્ધવ ઠાકરે સરકારના અન્ય ટેકેદાર એવી કોંગ્રેસે આ સમગ્ર ઘટના સંદર્ભે બોલ શિવસેનાની કોર્ટમાં નાખીને ઉદ્ધવ સરકાર ખતમ થઈ રહી હોવાનો રાજકીય સંદેશ આપ્યો છે.
એકનાથ શિંદે તેમની ટીમનો વધુને વધુ વિસ્તાર કરી રહ્યા છે અને મુંબઈમાં હાજર શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) શિવસૈનિકોમાં વ્યાપક ગુસ્સો હોવાની વાત કરી રહ્યાં છે. રાજકીય ડ્રામા બાદ પણ અત્યાર સુધી તો મહારાષ્ટ્રમાં મહાઅધાડીની સરકાર છે, મુખ્યપ્રધાન પદે ઉદ્ધવ ઠાકરે છે. પણ આ સરકાર અને ઉદ્ધવ ઠાકરે કેટલો સમય રહેશે તે કહેવું થોડું મુશ્કેલ છે અને જો શિવસેના એકનાથ શિંદેને શિવસૈનિકોના ગુસ્સાના નામે ડરાવવા કરતાં રાજકીય રીતે સમજાવવાનો પ્રયાસ કરે તો કદાચ તેમની સરકાર ટકી શકે છે.